પેટા ચૂંટણી ૨૦૨૫: કડી અને વિસાવદર બેઠક માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા ચાલુ – આજ સુધી માત્ર ૨ ઉમેદવારોએ જ પત્ર ભર્યા

ગુજરાત રાજ્યની ૨૪-કડી (અનુસૂચિત જાતિ) અને ૮૭-વિસાવદર વિધાનસભા બેઠકો માટેની પેટા ચૂંટણી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ અનુસાર, ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ૨૬ મે, ૨૦૨૫થી શરૂ થઈ છે.

તેમ છતાં, આજ રોજ તા.૩૦ મે, ૨૦૨૫ સુધીમાં કુલ માત્ર બે ઉમેદવારો દ્વારા જ ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને આજના દિવસે કોઈ એક પણ ઉમેદવાર દ્વારા ફોર્મ દાખલ કરાયું નથી.

પંચ દ્વારા નિર્ધારિત નિયમ મુજબ દરેક ઉમેદવારને પોતાના ઉમેદવારી પત્ર સાથે એફિડેવિટ – ફોર્મ નં.૨૬ પણ ફરજિયાત રૂપે રજૂ કરવાનું રહેશે. આ ફોર્મ ઉમેદવારી પત્ર રજૂ કર્યા બાદ ૨૪ કલાકની અંદર ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. આ વિગતો https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates પર જોઈ શકાશે.

ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૨ જૂન, ૨૦૨૫ છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ