ખેડબ્રહ્મા અને પોશીના તાલુકા વિસ્તારમાં આવેલ સસ્તા અનાજના ગોડાઉન માલિકો દ્વારા ગરીબ લોકો માટે આવતા અનાજના જથ્થાની ચોરી કરી તેને સગે વગે કરવાની અને આવતા અનાજના સીલબંધ જથ્થાના કોથળામાંથી અનાજ કાઢવાની રીતસરની પદ્ધતિ ચાલી રહી છે અને સસ્તા અનાજની દુકાનોમાં આવા અનાજને કાઢી લઈ અપૂરતો જથ્થો પહોચાડવામાં આવી રહ્યો હોવાની રાવ કરવામાં આવી રહી છે. સસ્તા અનાજના ગોડાઉનમાં સરકારી નીતિ નિયમોને નેવે મૂકી રીતસરની અનાજની ચોરી કરી આવુ અનાજ કાળા બજારિયાઓને વેચી કટકી કરી રહ્યા છે. પોશીના અને ખેડબ્રહ્મા ખાતે આવેલ આવા ગોડાઉનમાં સરકારી અનાજ ભરી આવતા ટ્રકોમાંથી ઘઉં, ચોખા અને ચણા જેવા ભરેલ કટ્ટાઓમાંથી આવુ અનાજ કાઢી લઈ અનાજની ચોરી કરી સરકારી કટ્ટાઓને ફરીથી શીલ કરી ગોડાઉનમાં ગોઠવી તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં આવો કાઢી લીધેલ માલ મોકલવામાં આવી રહ્યો છે અને ઓછું અનાજ આપવામાં આવી રહ્યું છે.
ઓછું અનાજ આપવા બાબતે દુકાનોના સંચાલકો દ્વારા મૌખિક જાણ કરવા છતાં આવા ગોડાઉન માલિકો દ્વારા તેમની વાત સાંભળવામાં આવતી નથી. મળતી માહિતી મુજબ કેટલાક લોકો દ્વારા મામલતદાર અને સ્થાનિક પુરવઠા અધિકારીને જાણ કરવા છતાં આ બાબતે કોઈ જ નિર્ણય લેવામાં આવતો નથી અને સ્થાનિક પુરવઠા અધિકારી આંખ આડા કાન કરી રહ્યા છે અને સબ સલામત હોવાની તથા તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચૂપ રહી ભાગ બટાઈ કરતા હોવાની લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે. પોશીના અને ખેડબ્રહ્મા તાલુકાઓના ગોડાઉન માલિકો દ્વારા આવા ગરીબોના અનાજને ચોક્કસ સમયે ખાનગી ટ્રકોમાં ભરી સમયાંતરે બજારોમાં આવેલ દુકાનોમાં વેચી તગડો નફો કમાઈ રહ્યા છે અને તેમાં સ્થાનિક પુરવઠા અધિકારી સહિત અન્ય અધિકારીઓની સાંઠગાંઠની લીંક કરી પૈસા ખંખેરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
અહેવાલ – ચંદ્રકાંત પ્રજાપતિ, બ્યુરો ચીફ, (સાબરકાંઠા)