
📿 વિગતવાર અહેવાલ:
સોમનાથ, તા. ૨ મે ૨૦૨૫
આજે વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરના 75મા સ્થાપના દિવસની તીથી અનુસાર વૈશાખ સુદ પાંચમના પાવન દિવસે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી.
આદિ જ્યોતિર્લિંગ તરીકે પૂજાતા સોમનાથ મંદિરની આ સ્થાપના માત્ર ધાર્મિક અનુષ્ઠાન નહીં, પરંતુ વિસર્જન પછી નવસર્જનનું સર્વોત્તમ પ્રતિક છે.
🕉️ ઇતિહાસની પવિત્ર ધૂન:
સદીઓ સુધી વિધ્વંસ અને પુનઃનિર્માણના ઘાટો સહન કરનાર આ પવિત્ર સ્થાને સ્વતંત્ર ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી મંદિરનું પુનઃનિર્માણ થયું.
11 મે 1951ના રોજ સવારે 9:46 વાગ્યે, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી.
તે સમયે 108 તીર્થ અને 7 સમુદ્રોના જળથી મહાદેવનો અભિષેક થયો હતો અને 101 તોપોની સલામી આપવામાં આવી હતી — એ પળ આજે પણ ભક્તોના હ્રદયમાં જીવંત છે.
🌺 આજની ઉજવણીની ઝલક:
આ વિશિષ્ટ તિથી નિમિત્તે આજે સોમનાથ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા.
- સરદાર પટેલને પુષ્પાંજલિ અને સમાન અર્પણ
- મંદિર પર નૂતન ધ્વજારોહણ
- પ્રાણપ્રતિષ્ઠાની સમયરેખા અનુરૂપ સવારે 9:46 વાગ્યે મહાપૂજા અને ભસ્મ ત્રિપુંડ શૃંગાર
- સંધ્યા આરતી સમયે દિવ્ય મહાશૃંગાર તથા દીપમાળાનું અર્પણ
🙏 ટ્રસ્ટની સંલગ્નતા:
આ ભવ્ય કાર્યક્રમમાં સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર શ્રી અજયકુમાર દુબે, તીર્થ પુરોહિતો અને ટ્રસ્ટ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
🌊 સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્ર તટે આસ્થા, શાંતિ અને સનાતન સંસ્કૃતિનું એ જ્યોતિર્લિંગ આજે પણ શાશ્વત પ્રકાશ પાથરે છે.
✍️ અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ