સોમનાથમાં પ્રધાનમંત્રીની પ્રાર્થના: રાષ્ટ્રની શાંતિ, સંવાદિતા અને સમૃદ્ધિ માટે વિશેષ મહાપૂજા
ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પવિત્ર સોમનાથ મહાદેવના ધામે વિશેષ મહાપૂજા અને અર્ચના કરી હતી. સોમનાથમાં દેશની શાંતિ, એકતા અને સમૃદ્ધિના સંકલ્પ સાથે તેમણે ભક્તિભાવપૂર્વક પૂજા અર્પી.
પ્રધાનમંત્રી મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં નમન કરી રાષ્ટ્ર માટે આશીર્વાદ માગ્યો અને સમગ્ર દેશમાં શાંતિ-પ્રેમ અને પરસ્પર સંવાદિતા વધે તે માટે પ્રાર્થના કરી.
એકતાના મહાકુંભની સિદ્ધિ માટે સોમનાથમાં સમર્પણ
પ્રયાગરાજ ખાતે યોજાયેલા ભવ્ય અને ઐતિહાસિક “એકતાના મહાકુંભ” ની સફળતા માટે પ્રધાનમંત્રી મોદીએ ભગવાન સોમનાથના ચરણોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરી. મહાકુંભ દરમિયાન તેમણે સંકલ્પ કર્યો હતો કે આ મહાપર્વની પૂર્ણાહુતિ બાદ તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. આજે, પ્રધાનમંત્રીએ એ સંકલ્પની સિદ્ધિ માટે ભગવાન સોમનાથ સમક્ષ કૃતજ્ઞતા પ્રગટ કરી અને રાષ્ટ્રની એકતા માટે સમર્પિત ભાવ સાથે પૂજન-અર્ચન કરેલું.
સોમનાથ ધામનો સુવર્ણ યુગ: 1677 કળશ પર સુવર્ણ મંડન
વિદ્વાન શાસ્ત્રોક્ત પૂજાની સાથે પ્રધાનમંત્રી મોદીએ 282 સુવર્ણ કળશ અર્પણ કરીને ભવ્ય કાર્યક્રમની શરુઆત કરી. પ્રાચીન કાળથી સોમનાથ મહાદેવની મહિમા છે કે અહીં નિરંતર વિસર્જન અને પુનઃસર્જન ચાલ્યા છે. એ જ પરંપરાને જીવંત રાખતા 1677 કળશ પર સુવર્ણ મંડન પૂર્ણ થયું છે.
સોમનાથ: યાત્રી સુવિધાઓની ભવ્ય દ્રષ્ટિ
પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ યાત્રાધામ આજે માત્ર ધાર્મિક કે આધ્યાત્મિક કેન્દ્ર નથી, પરંતુ વૈશ્વિક આસ્થા અને સંસ્કૃતિનું પ્રતિક બની રહ્યું છે. અહીં યાત્રિકો માટે આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. સોમનાથ મંદિરથી લઈને દરિયાકિનારા સુધીની ભવ્યતા એક નવા યુગની શરુઆત કરી રહી છે.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રના વિકાસ માટે મહાદેવ સમક્ષ નમન કર્યું
“પ્રભુ સોમનાથની મહિમા અનંત છે. રાષ્ટ્રના વિકાસ માટે તેમના આશીર્વાદ માટે હું પ્રાર્થના કરું છું.” – પ્રધાનમંત્રી મોદીએ પૂજા દરમિયાન આ સંદેશ આપ્યો.
સોમનાથ ધામ – એક વૈશ્વિક આસ્થા કેન્દ્ર
આજનું સોમનાથ ધામ માત્ર એક મંદિર નથી, તે વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે ભક્તિ અને ભવ્યતાનું પ્રતિક બની રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીના આ અધ્યાત્મિક અને રાષ્ટ્રીય એકતાના સંકલ્પને સફળ બનાવવા સમગ્ર દેશ આજે ગૌરવ અનુભવી રહ્યો છે.
અહેવાલ: નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ