વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા અને ઈન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટ દ્વારા પ્રભાસ પાટણના રામરાખ ચોક ખાતે ‘હર ઘર હરિયાળી’ અભિયાન અંતર્ગત ખાસ કાર્યક્રમ યોજાયો હતો. નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાનીની ઉપસ્થિતિમાં ૫૦૦ થી વધુ વૃક્ષોનાં રોપાઓનું વિતરણ કરીને હરિયાળું શહેર ઘડવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
આ સાથે જ નાગરિકોમાં પ્લાસ્ટિક પ્રતિ નિષેધ માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી અને તેઓને કાપડની બેગ આપી પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં સહભાગી થવા અપીલ કરાઈ હતી.
ઇન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટના ચેરમેન શશાંક પરીખના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમને સ્થાનિક રહેવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. વિશેષ ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસથી દર શનિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં આવા વિતરણ કાર્યક્રમો સતત ચાલી રહ્યા છે.
આ કાર્યક્રમમાં નગરપાલિકા કર્મચારીઓ, ઈન્ડિયન રેયોનના પ્રતિનિધિઓ, ચોક્સી કોલેજના એન.એસ.એસ. કેડર્સ, સ્થાનિક આગેવાનો તથા નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ