પ્રભાસ પાટણ પોલીસે E-FIRના આધારે 50 હજારના મુદ્દામાલ સાથે ચોરીના બે ગુનાઓ ડિટેક્ટ કર્યાં.

ગીર સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન દ્વારા દાખલ થયેલ બે અલગ અલગ વાહન ચોરીની E-FIRના આધારે ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુનાની પ્રાથમિક તપાસ દરમિયાન, પ્રભાસ પાટણ તાલુકાના કદવાર ગામના અશ્વિનભાઈ ખુંટડની મોટરસાયકલ સીડી-110 નંબર GJ-32-E-1647 ચોરી ગયાની જાણ થતાં ગુ.ર.નં. 0569/2025 BNS કલમ 303(2) હેઠળ ગુન્હો નોંધાયો હતો.

જિલ્લા પોલીસ વડાઓ તથા રેન્જ IG ની સૂચનાઓના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા સીસીટીવી અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે ચોરીના ગુનામાં સંડોાયેલા આરોપી હુસેન ઉર્ફે શબ્બીર દાદાભાઈ કાલવાણીયાને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આરોપી પાસેથી માત્ર પ્રભાસ પાટણમાં નહીં પણ કેશોદ પોલીસ હદમાંથી ચોરાયેલી બીજી એક હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ પણ કબ્જે કરાઈ હતી. કેશોદ પો.સ્ટે.માં ગુ.ર.નં. 477/2025 હેઠળ પણ આ ગુન્હો નોંધાયેલ હતો. બંને મો.સા. મળી કુલ મુદ્દામાલની કિંમત અંદાજે 50,000 રૂપિયા થાય છે.

આ સફળ કામગીરી માટે પોલીસ ઈન્સ્પેક્ટર એન.બી. ચૌહાણની સુચનાથી પો.હેડ કોન્સ. કૃષ્ણકુમારસિંહ, પો.કોન્સ. પિયુષભાઈ, કરણસિંહ અને સમગ્ર ટીમે મહેનતપૂર્વક કામગીરી બજાવી હતી. હાલ આરોપી સામે વધુ પુછપરછ ચાલી રહી છે અને કેશોદ પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

અહેવાલ – પ્રકાશ કારાણી, વેરાવળ સોમનાથ