જૂનાગઢ તા. ૨૪, ઉત્તરપ્રદેશના તિર્થરાજ પ્રયાગ ખાતે ૧૪૪ વર્ષ પછી યોજાયેલા મહાકુંભ મેળામાં ભજન, ભોજન અને ભક્તિની આહલેક જગાડનાર અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ અને અગ્નિ અખાડાના વડા અને સુરેવાધામ (શિક્ષણ ધામ) ચાપરડાના સંત મુક્તાનંદ બાપુનું રાધેશ્યામ કોટેજ ખાતે રાજગોર કાઠી જ્ઞાતિના સ્વર્ગસ્થ મહાદેવભાઇ ગોપાળજીભાઈ ચાવ પરિવાર દ્વારા સેવાભાવનું અદકેરુ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન પરિવારના સભ્યો સર્વ વિનુભાઈ ચાવ, ઘનશ્યામભાઈ ચાવ, અશોકભાઈ ચાવ અને પ્રદીપભાઈ ચાવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જય રાજેશ્વર સંતવાણી ગ્રુપ રાજકોટના સહયોગ થી યોજાયેલા લોક ડાયરાના ઉગતા કલાકારો નું તેમજ જ્ઞાતિના તાજેતરમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીમાં વિજેતા થયેલા સભ્યો પદાધિકારીઓનું પૂજ્ય મુક્તાનંદ બાપુના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
અભિવાદન પ્રસંગે આશીર્વાદ આપતા પૂજ્ય મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું કે, વિશ્વના આ સૌથી મોટા આધ્યાત્મિક મહાકુંભ મેળાએ હિન્દુત્વને ઉજાગર કરેલ છે અને વિશ્વને સનાતન ધર્મની એકતાનો એક અનેરો સંદેશો આપેલ છે, આપણે આપણી સંસ્કૃતિ અને સભ્યતાનું પાલન કરીને અન્ય માટે સદભાવના રાખીએ છીએ સંત મુક્તાનંદ બાપુએ આ તકે સમાજને વિકાસના ઊંચા શિખરે લઈ જવા માટે એકતા કેળવીને પરસ્પર સુખ દુઃખમાં મદદરૂપ બનવા અને ઈશ્વર આપેલ ધન સંપત્તિનો સમાજના ઉત્કર્ષમાં ઉપયોગ કરવા અપીલ કરી હતી. આપણે જે સમાજમાં જન્મ લીધો તેનું ઋણ ચુકવવું જોઈએ અને તેના માટે હંમેશા તત્પરતા દાખવી જોઈએ તેમણે અંતમાં સમાજને તન મન અને ધનથી મદદરૂપ થવા માટે તત્પરતા દાખવી હતી. સંત મુક્તાનંદ બાપુએ મહાદેવભાઇ ચાવના સમાજને સધિયારો આપવાના અને સમાજના ઉત્કર્ષ માટે દાન-દાતારી દાખવવાના ઉમદા વારસાને તેમના પરિવારના સભ્યો જાળવી રાખતા વિનુભાઈ ચાવ સહિત ચારેય ભાઈઓને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે અંગે પૂજ્ય મુક્તાનંદ બાપુનું રાજગોર બ્રાહ્મણસેવા સહિતના પદાધિકારી ઓ તેમજ જુદા જુદા જ્ઞાતિના મંડળો દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ જ્ઞાતિના વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર અગ્રણીઓનું પણ સન્માન કરાયું હતું.
પ્રારંભમાં સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત અશોકભાઈ ચાવે કર્યું હતું સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પરેશભાઈ જોશી એ કર્યું હતું આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી રા.સેવા સંઘના હોદ્દેદારો જ્ઞાતિના અગ્રણીઓ પંચાયત નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો જ્ઞાતિના ઉગતા લોક કલાકારો મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના પ્રારંભે પૂજ્ય મુક્તાનંદ બાપુનું ભાવભર્યું સ્વાગત કરવા માટે સામૈયુ કરવામાં આવ્યું હતું.તેમ અરવિંદભાઇ જોષીની યાદીમાં જણાવાયુ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ