“પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ રાજ્ય સરકારે બધા અધિકારી-કર્મચારીઓની રજા તાત્કાલિક રદ કરી”

જૂનાગઢ: રાજ્યમાં હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. તમામ સરકારી વિભાગો, ખાતાઓ, બોર્ડ, નિગમો, કોર્પોરેશન, પંચાયતો તેમજ સ્વાયત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ અને કર્મચારીઓની અનિવાર્ય સંજોગોને સિવાયની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.

સરકાર દ્વારા સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવી છે કે, રજા પર ગયેલા અધિકારીઓ-કર્મચારીઓએ તરત ફરજ પર હાજર થવું પડશે અને તે માટે સંબંધિત વિભાગના વડાઓને યોગ્ય કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત, કોઈ અધિકારી કે કર્મચારી પોતાની કચેરી છોડે તે પહેલાં વિભાગના વડા, ખાતાના વડા અથવા કચેરીના વડાની લેખિત મંજૂરી અનિવાર્ય રીતે લેવી પડશે. હેડ ક્વાર્ટર છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી આપત્કાળીન સેવા અને કામગીરીમાં કોઇ વિઘ્ન ન આવે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી તંત્રને સતત સજ્જ અને તત્પર રાખવા પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેથી નાગરિકોને તમામ રીતે સમયસર સેવા મળી શકે અને પરિસ્થિતિને અસરકારક રીતે હલ કરી શકાય.

🖋 અહેવાલ:નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ