જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં ચોમાસાનાં ભારે વરસાદથી જિલ્લાના તમામ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારને શહેર સાથે જોડતા વિવિધ માર્ગને સુગમ બનાવવા માટે રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે આગામી દિપોત્સવી પર્વોમાં જૂનાગઢ-ગીર સોમાનાથ જિલ્લાનાં તિર્થ સ્થળો અને પ્રવાસન સ્થળોની મુલકાતે દેશ-દેશાવરથી યાત્રીકો જૂનાગઢનાં માર્ગો પરથી જ્યારે પસાર થવાના હોય ત્યારે પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલ જૂનાગઢ સાસણ રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, આજે માર્ગ નવિનીકરણ-મજબુતિકરણની કામગીરી જિલ્લા કલેકટરશ્રી અનિલ કુમાર રાણાવસિયા અને ટીમ દ્વારા રૂબરૂ નિરક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ કામગીરી અંગે સંબંધિત અધિકારીઓને યોગ્ય સમયે કામગીરી પૂર્ણ થાય અને પ્રવાસીઓને સુગમતા રહે તે માટે સૂચના આપવામાં આવી હતી.
સાથે-સાથે જૂનાગઢ-ઈવનગર- મેંદરડા બાયપાસ રસ્તા માટે સંપાદન થનાર જમીનોની રૂબરૂ સ્થળ તપાસણી કરી સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી તલસ્પર્શી માહિતી મેળવી આગળની ઘટતી કાર્યવાહી તાકીદે પુર્ણ થાય તે દિશામાં જરૂરી સૂચન કર્યા. બાયપાસ શરૂ થવાને કારણે સાસણ જવા માટે રાજકોટ તરફથી આવતા પ્રવાસીઓ વધુ સરળતાથી સાસણ જઈ શકશે.
અત્રે ઉલ્લેખનિય છે કે નરેન્દ્ર મોદીના સફળ સુશાસનના ૨૩વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી ‘વિકાસ સપ્તાહ’ અંર્તગત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રસ્તાઓના બાંધકામમાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી ટકાઉ માર્ગોના નિર્માણ સાથે પર્યાવરણ સુધારણા અંગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તેમણે આ માટે ૧૩ રસ્તાની કુલ ૧૦૪.૯૬ કિ.મી. લંબાઇની માર્ગ સુધારણા માટે રૂ. ૧૧૨.૫૦ કરોડ ફાળવ્યા છે. ભારે ટ્રાફિક ધરાવતા તેમજ ચોમાસા દરમિયાન ઓવરટોપીંગ થતા હોય તેવા કુલ ૨૦ રસ્તાના ૯૩.૩૩ કિ.મી. લંબાઇના માર્ગો સી.સી. રોડના બનાવવા ૩૦૦.૫૭ કરોડ મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને અગ્રેસર બનાવવાના હેતુથી માર્ગ સુધારણા માટેના કામોમાં પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે. પ્લાસ્ટિક વેસ્ટનો માર્ગ સુધારણા અને નવ નિર્માણમાં ઉપયોગ આવનારા દિવસોમાં પર્યાવરણ સુધારણાની દિશામાં મહત્વપૂર્ણ બનશે. માર્ગોની મજબૂતી વધારવા સાથે રોડની લાઈફ સાયકલમાં પણ વૃદ્ધિ થશે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)