પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વેરાવળ ખાતે ટૂર ઓપરેટર્સ રોડ શો સમિટ –સોમનાથ સહિત આસપાસના સ્થળોને વૈશ્વિક પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા સરકાર કટિબદ્ધ.

વેરાવળ: દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવતા પવિત્ર સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં પ્રવાસીઓને ધાર્મિક અનુભવ સાથે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે દિશામાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે.

પ્રવાસન મંત્રી મૂલુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વેરાવળ ખાતે ટૂર ઓપરેટર્સ રોડ શો સમિટ યોજાયો હતો. સમિટમાં ટૂર ઓપરેટર્સ, હોટેલ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ, હોમ સ્ટે સંચાલકો તથા પ્રવાસન સાથે સંકળાયેલા સ્ટેકહોલ્ડર્સ હાજર રહ્યા હતા.

મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર અવિરત વિકાસ પંથે આગળ વધી રહ્યું છે. દરિયો, રણ, જંગલ, પહાડ – પ્રકૃતિના સર્વાંગી રૂપ ધરાવતું ગુજરાત હવે વૈશ્વિક પ્રવાસન હબ બનવા દિશામાં આગળ વધી રહ્યું છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો પ્રકૃતિ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક વારસાનું અનોખું સંગમ છે.

તેમણે ભારપૂર્વક કહ્યું કે, સોમનાથને માત્ર ધાર્મિક યાત્રાધામ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરના પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા સરકાર કટિબદ્ધ છે. પ્રવાસન બજેટમાં વધારો કરીને આધુનિક સગવડતા, ઈકો ટૂરિઝમ, ફાર્મ સ્ટે, સર્કિટ ટૂરિઝમ જેવા પ્રયાસો થકી પ્રવાસીઓને અનોખો અનુભવ આપવા માટે સતત કાર્ય થઈ રહ્યું છે.

📍 સમિટના મુખ્ય મુદ્દા:

  • ગ્રેટર ગીર પ્રોજેક્ટ હેઠળ તુલસીશ્યામ, દ્રોણેશ્વર, જમજીર ધોધ, શ્રી બાઈ આશ્રમ જેવા સ્થળોના વિકાસની દિશામાં આયોજન.

  • સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રી સુવિધાઓમાં આધુનિક પાર્કિંગ, લાઈટ એન્ડ સાઉન્ડ શો, ગોલ્ફ કાર્ટ સેવા, નિઃશુલ્ક બસ પરિવહન, વેબસાઈટ દ્વારા પૂજા બુકિંગ જેવી નવીન સુવિધાઓ.

  • પ્રવાસન વિભાગ દ્વારા ઈકો ટૂરિઝમ, જૈવ વૈવિધ્યતા, દરિયાકાંઠાના સ્થળો અને ઐતિહાસિક વારસાને પ્રોત્સાહન આપવા દિશામાં ખાસ પ્રેઝન્ટેશન.

  • ટૂર ઓપરેટર્સના સૂચનો આધારે કસ્ટમાઈઝ પેકેજ, બજેટ હોટેલ્સ, આદ્રી બીચ ડેવલપમેન્ટ જેવા મુદ્દાઓ પર ચર્ચા.

મુખ્યમંત્રીના સચિવ વિક્રાંત પાંડેએ જણાવ્યું કે હાલ દર વર્ષે આશરે એક કરોડ યાત્રાળુઓ સોમનાથની મુલાકાતે આવે છે, જેને વધારીને ત્રણ કરોડ સુધી પહોંચાડવાનો સરકારનો ધ્યેય છે.

આ અવસરે કમિશનર ઓફ ટૂરિઝમ પ્રભવ જોશી અને કલેક્ટર એન.વી. ઉપાધ્યાયએ જિલ્લામાં પ્રવાસન ઉદ્યોગના યોગદાન, જીડીપીમાં ફાળો, રોજગારીની તકો અને સર્કિટ ટૂરિઝમની સંભાવનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, પ્રાંત અધિકારી વિનોદ જોશી, હોટેલ એસોસિએશનના પ્રતિનિધિઓ સહિત સૈંકડો સ્ટેકહોલ્ડર્સ ઉપસ્થિત રહ્યા હતા.

📍 અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ