પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા જિલ્લા વહીવટી તંત્રનું વધુ એક પગલું

જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ કલેકટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક કૃષિ હાટનો શુભારંભ કરાવ્યો

કલેકટર કચેરીના અધિકારી કર્મચારી સહિતના લોકો દર ગુરુવારે પ્રાકૃતિક શાકભાજી ચીજ વસ્તુઓની ખરીદી કરી શકશે

પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા જિલ્લા વહીવટી તંત્રએ વધુ એક કદમ ઉઠાવ્યું છે, જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ આજે જૂનાગઢ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક કૃષિ હાટનો શુભારંભ કરાવ્યો હતો.પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે લોકોને સ્વસ્થ અને આરોગ્યપ્રદ શાકભાજી સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓ મળી રહે તે માટે નવીન આયામો ઉભા કરવામાં આવી રહ્યા છે.આ પ્રાકૃતિક કૃષિ હાટને ખુલ્લો મુકવાની સાથે કલેકટરશ્રીએ પ્રાકૃતિક ખેતી કરતા આ ખેડૂતો સાથે સંવાદ સાધી, પ્રાકૃતિક ખેતીના તેમના અનુભવો અને ખેત ઉત્પાદનો વિશે જાણકારી મેળવી હતી અને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
જિલ્લા કલેકટર કચેરીના પ્રાંગણમાં દર ગુરુવારે બપોરના ૪ થી ૬ કલાક દરમિયાન પ્રાકૃતિક કૃષિ હાટ ભરાશે. જેમાં કલેક્ટર કચેરીના અધિકારી- કર્મચારી સહિતના લોકો પ્રાકૃતિક રીતે પકવેલા શાકભાજી સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓની ખરીદી કરી શકશે.


જિલ્લા કલેકટરશ્રીએ આ પ્રાકૃતિક કૃષિ હાટને શુભારંભ કરાવતા જણાવ્યું કે, રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુહિમ શરૂ કરી છે, તેને આગળ વધારવા માટે સતત જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી મળતા માર્ગદર્શન અને સૂચનો અનુસાર જિલ્લામાં દિન પ્રતિદિન પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવાથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે.પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાના પ્રયાસમાં વધુ એક પગલું આગળ વધીને કલેકટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક કૃષિ હાટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

અઠવાડિયામાં એક દિવસ (ગુરૂવાર) પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પ્રાકૃતિક રીતે ઉત્પાદિત શાકભાજી સહિતની ચીજ વસ્તુઓ અહીં લાવીને વેચાણ કરશે. આમ, કલેકટર કચેરીના અધિકારી-કર્મચારી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો મળી રહેશે અને તેમના પરિવારજનોનું આરોગ્ય વધુ બહેતર બનશે. તેમ જિલ્લા કલેકટરશ્રીએ ઉમેર્યું હતું.આ પ્રાકૃતિક હાટના શુભારંભ વેળાએ નિવાસી અધિક કલેકટર શ્રી એન.એફ. ચૌધરી, સંયુક્ત ખેતી નિયામક શ્રી જી. એસ. દવે, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી દિપક રાઠોડ સહિતના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રાકૃતિક કૃષિ હાટને શરૂ કરવા માટે આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ ટીમે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)