પ્રાકૃતિક કૃષિ અંર્તગત જૂનાગઢ જિલ્લામાં લેવાયેલા ૧૯ નમૂનામાં ૨૨૮ પ્રકારના જંતુનાશકોની ગેરહાજરી.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે સતત જુદા જુદા સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીના પ્રત્યક્ષ લાભોની જાણકારી મળે અને પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ ના પ્રશ્નોનું નિરાકરણ મળે તે માટે જુદી-જુદી તાલીમોનું આયોજન કરવામાં આવે છે, ઉપરાંત જિલ્લામાં આવેલા જુદા-જુદા મોડલ ફાર્મની મુલાકાત કરાવી ખેડૂતોને તેના માટે ની માહિતી પૂરી પાડવામાં આવે છે.

પ્રાકૃતિક કૃષિ અંતર્ગત હાલ જૂનાગઢ જિલ્લામાં ઉત્પાદિત પ્રાકૃતિક જણસી ના નમુનાઓ એકત્ર કરી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગત ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ખાતે ચકાસણી કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ જિલ્લા માંથી જણસીના નમૂનારૂપે ફળ, અનાજ અને કઠોળ ના નમુના એકત્ર કરવામાં આવ્યા હતા. આ દરેક નમૂના ને યોગ્ય રીતે પેક કરી ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ખાતે લાવવામાં આવ્યા હતા. બાદમાં વિવિધ સ્તરે તેની વૈજ્ઞાનિક ઢબે ચકાસણી કરવામાં આવી હતી. આ નમૂના ઉપર નિયત પદ્ધતિ મુજબ પેસ્ટીસાઈડ રેસીડ્યુઅલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ પેસ્ટીસાઈડ રેસિડ્યુઅલ ટેસ્ટમાં ખાદ્ય પદાર્થોમાં જુદા-જુદા ૨૨૮ પ્રકારના જંતુનાશકોનું પ્રમાણ છે કે નહી તેની ચકાસણી કરવામાં આવે છે.

આ સંપૂર્ણ ચકાસણીને એક સપ્તાહ જેટલો સમય લાગે છે, જેમાં જૂનાગઢ જિલ્લાના ૧૯ જેટલા પ્રાકૃતિક કૃષિ પેદાશોના પરીક્ષણના પરિણામો આનંદદાયક આવેલા છે. જેમાં ૧૯ માંથી ૧૯ નમૂનામાં ૨૨૮ પ્રકારના જંતુનાશકોની લેસ માત્ર હાજરી જોવા મળેલ નથી. જેનો મતલબ એ છે કે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત અનાજ, ફળ, શાકભાજી પણ આરોગ્ય માટે માનવ સ્વાસ્થ્ય, પશુ તથા પક્ષી માટે એકદમ અનુકૂળ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)