જૂનાગઢ તા.૦૪ ગુજરાત રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને પ્રાકૃતિક ખેતી કરવા જ પ્રેરાય તે માટે અવનવી ખેડૂતલક્ષી યોજનાઓ, સહાય, ખેડૂત જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશન હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે અને આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે આ પ્રયાસમાં ખેડૂતો સ્વેચ્છાએ જોડાઈ પણ રહ્યા છે,
સામાન્ય રીતે ખેતીમાં વધુ ઉત્પાદન માટે રાસાયણિક ખાતરો વપરાય છે અને પાકને જંતુઓ કે રોગથી રક્ષણ માટે ઝેરી જંતુનાશક દવાઓનો વપરાશ કરવામાં આવે છે. આ પદ્ધતિના ગેરફાયદા એ છે કે ઉપજમાં ઝેરી જંતુનાશકો રહી જાય છે, જે સ્વાસ્થ્ય નુકશાન કરે છે. વધુમાં જમીનની કુદરતી ઉત્પાદનક્ષમતા લાંબા સમયે ઘટી જાય છે, બીજો એક પ્રકાર છે જૈવિક ખેતી, જેમાં છાણિયા ખાતર, લીલો પડવાશ, ખોળ, જૈવિક ખાતરો, અળસિયાં દ્વારા રાસાયણિક ખાતર વગર ખેતી કરાય છે. રોગ નિયંત્રણ માટે પરભક્ષી જીવાતો, અન્ય પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, રાસાયણિક જંતુનાશકો વપરાતાં નથી. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો વગર ઉપજ મેળવી શકાય છે, પરંતુ નિષ્ણાંતોના મતે નાના ખેડુતો માટે તે થોડી ખર્ચાળ છે અને જંતુઓ તેમજ રોગ નિયંત્રણ એટલું અસરકારક જોવા મળતું નથી, હાલના સમયમાં કૃષિ ઉત્પાદનમાં જંતુનાશક દવાઓના ઝેરી તત્વો સ્વાસ્થ્ય ન જોખમાવે તે જરૂરી બન્યું છે, વળી જમીનોમા રાસાયણિક ખાતરોના ઉપયોગને લિધે દિવસે ને દિવસે પોતાની પ્રાકૃતિક ઉત્પાદનક્ષમતા ઘટી રહી છે તેવું કૃષિ વૈજ્ઞાનિકોનું માનવું છે,
એવામાં પ્રાકૃતિક ખેતી એ જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને સ્વાસ્થયપ્રદ ઉપજ મેળવવા માટે એક વ્યાવહારિક વિકલ્પ બની છે, ૩૦ એકર જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી માટે એક ગાયના ગૌમુત્ર અને છાણ પર્યાપ્ત હોય છે. નાના ખેડુતો માટે પણ પ્રાકૃતિક ખેતી ફાયદાકારક છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ મોડેલ પાંચ સ્તંભ પર આધારીત છે. જે સ્તંભો બીજામૃત, જીવામૃત, વાપ્સા, આચ્છાદન અને મિશ્ર ખેતી છે. આ પાંચેય સ્તંભ વિષે પ્રાથમિક પરિચય મેળવીએ, ‘બીજામૃત’ દેશી ગાયનું છાણ, ગૌમૂત્ર, પલાળેલો ચુનો અને પાણી તેમજ માટીના મિશ્રણથી તૈયાર કરી શકાય છે. બીજામૃતમાં બિયારણને નિર્ધારિત કલાકો સુધી પલાળીને છાયામા સુકવ્યા બાદ વાવેતર કરવામાં આવે છે, ‘જીવામૃત’ એ દેશી ગાયનું છાણ, ગૌમૂત્ર, ગોળ, બેસન, પાણી અને માટીનાં મિશ્રણ દ્વારા બનાવાય છે, જે સુક્ષ્મજંતુઓનો ભંડાર છે અને જરૂરી પોષકતત્વો પુરા પાડવામાં અગત્યની ભુમિકા ભજવે છે, જેને પિયત સાથે કે છંટકાવ સ્વરૂપે વાપરવામાં આવે છે, ‘વાપ્સા’ એટલે ભેજ કે વરાપ વ્યવસ્થાપન. છોડને પાણી જ નહિં પણ ભેજ એટલે કે પાણી અને હવાનું સંતુલિત પ્રમાણ જોઇએ, જે વાપ્સા દ્વારા પુરૂં પડાય છે,
અલગ અલગ પાકો અને જમીનના ઢાળ મુજબ પાણીની નિક તૈયાર કરીને વરાપ વ્યવસ્થાપન કરવામાં આવે છે, ‘આચ્છાદન’ એટેલે જમીનને ઢાંકીને રાખવી જેથી સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ વધે અને તે ઉડી ન જાય. જમીનને ઢાંકવાથી ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે અને પાણીની મોટી બચત થાય છે. વધુમાં સુર્યપ્રકાશ ન મળતાં નિંદામણની સમસ્યા પણ રહેતી નથી. આચ્છાદિત ખેતરમાં દિવસે પણ અળસિયા કાર્ય કરીને ઓક્સિજન, ખાતર આપે છે તેમજ જમીનની પાણી સંગ્રહ ક્ષમતા વધારી આપે છે. વધુપડતી ગરમીમાં ભેજને કારણે છોડ સુકાઈ જવાનો ડર રહેતો નથી, ‘મિશ્ર ખેતી’ એટલે મિશ્ર પાક પદ્ધતિ. એક પાકની સાથે અન્ય પાકની પસંદગી એવી રીતે કરવામાં આવે છે કે જેથી બંને પાક સારી રીતે વિકાસ પામે. સહજીવી પાક મુખ્ય પાક કરતાં અડધી કે તેથી ઓછી મુદતનો, ઝડપથી વૃદ્ધિ પામતો અને મુખ્ય પાકને સુર્યપ્રકાશથી રક્ષણ આપી શકે, પાન વધુ ખરતાં હોય તેવો પસંદ કરવામાં આવે છે, આ ઉપરાંત પોષક તત્વોની આપુર્તિ માટે જૈવિક અર્ક, સપ્તધાન્યાંકુર અર્ક, નવ બીજાંકુર અર્ક વગેરે વાપરવામાં આવે છે,
પાક સંરક્ષણ માટે દસપર્ણી અર્ક, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિ અસ્ત્ર, ખાટી છાશવડે ફુગનાશક દવા, અને અન્ય રીતો અપનાવવામાં આવે છે. આ અર્ક કે અસ્ત્રમાં કોઈ ઝેરી રસાયણ નથી હોતાં અને તે ઘરેલુ વસ્તુઓમાંથી બનાવી શકાય છે, આમ, પ્રાકૃતિક ખેતી પ્રચલિત રાસયણિક ખાતરો અને જંતુનાશકોવાળી ખેતીનો એક ઉપાય બની રહી છે. દિવસે ને દિવસે વધુ ને વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યાં છે. લોકોમાં આરોગ્ય પ્રત્યે સભાનતા આવી છે, જેથી ઝેરમુક્ત ઉત્પાદનો માટે સારાં ભાવો પણ મળી રહે છે. સરકાર પણ વિવિધ સહાય દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)