વરસાદી મોસમની અસરથી અનેક વિસ્તારોમાં માર્ગોની હાલત ખરાબ બનતી હોય છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાહનચાલકોને દૈનિક અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ સ્થિતિને પહોંચી વળવા અને રાહદારીઓ માટે સુરક્ષિત તથા સુગમ માર્ગ વ્યવસ્થા ઉભી કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ મુજબ રાજ્યભરના માર્ગોના સમારકામ માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા પ્રાચીથી ગાંગેથા જતા મુખ્ય માર્ગ પર ડામર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માર્ગ દરરોજ અનેક ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને ખેડુતો માટે મુખ્ય આવનજાવન માર્ગ તરીકે ઉપયોગમાં આવે છે. વરસાદની અસરથી માર્ગ પર મોટા ખાડાઓ અને ઊંડા ત્રાંસા ઊભા થયા હતાં, જેના કારણે નાની વાહનવ્યવહારથી લઇ ભારે વાહનો માટે પણ જોખમભર્યો રસ્તો બની ગયો હતો.
તંત્ર દ્વારા હવે આ માર્ગ પર વિશેષ તાકીદે કામગીરી હાથ ધરાઈ છે, જેમાં ડામર અને કપચીનું મિશ્રણ કરીને ખાડાઓ ભરવામાં આવી રહ્યા છે અને માર્ગની સપાટીને ફરીથી સરળ અને યાત્રાલાયક બનાવવામાં આવી રહી છે.
માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા પૂરા માર્ગને ચકાસીને અત્યંત ખરાબ સ્થિતિ ધરાવતા વિસ્તારમાંથી કામગીરીની શરૂઆત કરાઈ છે. અધિકારીઓના સતત નિરીક્ષણ હેઠળ કામ શરૂ કરવામાં આવ્યું છે જેથી ગુણવત્તાવાળી કામગીરી થાય અને પાછલા નાણાકીય વર્ષની જેમ ફરીથી ટૂંક સમયમાં રસ્તાની હાલત નબળી ન બને.
સ્થાનિક રહીશોએ અને વાહનચાલકો દ્વારા તંત્રના તાત્કાલિક પગલાંની પ્રશંસા કરવામાં આવી છે. તેઓએ જણાવ્યુ હતું કે વરસાદમાં પણ આવનજાવન બંધ ન થાય એ માટે જલ્દી પેચવર્ક કરવું જરૂરી હતું, જે હવે શક્ય થયું છે.
આ કામગીરીથી રસ્તા વધુ સુરક્ષિત બનશે તેમજ અકસ્માતનો ભય પણ ઘટશે.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ