પ્રાચી તીર્થ ખાતે ગાયત્રી મહાયજ્ઞ અને વિનામૂલ્યે મેગા નેત્ર નિદાન કેમ્પ યોજાયો!

ગીર સોમનાથ (પ્રાચી):
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિના આયોજনে સુત્રાપાડાના પ્રાચી તીર્થ ખાતે ભવ્ય અને સેવામય કાર્યક્રમો યોજાયા હતા.

આ પ્રસંગે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ, હાર્ડવૈદ સારવાર કેમ્પ, જનરલ ચેકઅપ કેમ્પ અને ગાયત્રી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પ પૂજ્ય મુક્તાનંદ મહારાજના 67માં પ્રાગટ્યદિન નિમિત્તે ખાસ સ્વ. નંદલાલભાઈ જાનીના પરિવાર – કાર્તિકભાઈ અને હર્ષદભાઈ જાનીના સહયોગથી યોજાયો હતો. ડો. પ્રિન્સભાઈ દ્વારા કુલ 150 દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી અને તેમાથી 25 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા.

જનરલ ચેકઅપ વિભાગમાં ડો. ભગીરથસિંહ રાઠોડે 70થી વધુ દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરી, જ્યારે ડો. રોહિતભાઈ પટેલ દ્વારા ડાયાબિટીસના દર્દીઓને ફ્રી રિપોર્ટસ આપવામાં આવ્યા. હાર્ડવૈદ હમીરભાઈએ સાંધા દુઃખાવાના દર્દીઓને આરામદાયક મસાજ આપ્યો.

પ્રારંભે દિપ પ્રાગટ્ય સાથે કેમ્પનો આરંભ કરવામાં આવ્યો હતો. પત્રકાર જાદવભાઈ ચુડાસમાએ ઉદ્બોધન આપ્યું અને 11 ગાયત્રી મંત્ર તથા 5 મહામૃત્યુંજય મંત્રના જાપ સાથે યજ્ઞની પાવન શરૂઆત કરવામાં આવી.

આ પ્રસંગે કેમ્પ દાતાઓનું સન્માન ગુરુદેવના સાહિત્ય અને મોમેન્ટો આપી કરાયું હતું. અંતે સૌ માટે પ્રસાદ, ચા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ કેમ્પના સફળ આયોજનમાં કાનાભાઈ સોલંકી, નાથાભાઈ સોલંકી, રાહુલભાઈ રાઠોડ, પત્રકાર જાદવભાઈ ચુડાસમા સહિત અનેક સેવાભાવીઓનું મહત્વનું યોગદાન રહ્યું હતું.

📰 અહેવાલ: દિપક જોષી, ગીર સોમનાથ