શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ૨૦ જુલાઈ, ૨૦૨૫ના આદેશને અનુસરીને ભાવનગર ઝોન હસ્તકની જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાની ૧૨ નગરપાલિકાઓની પ્રથમ સંકલન બેઠક તા. ૧ ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ વેરાવળ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં નગરપાલિકાના ચીફ ઓફિસરો અને ધારાસભ્યો દ્વારા રજુ થયેલા પ્રશ્નોનો સંકલિત સમાધાન લાવવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી.
પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યાએ આ બેઠકમાં ચીફ ઓફિસરો દ્વારા રજૂ કરાયેલ વિકાસકામો, ટેક્સ વસુલાત, કચરા વ્યવસ્થાપન, રસ્તા, સફાઈ, અને સ્કૂલો-આંગણવાડીઓના ઇન્સ્પેક્શન અંગે સમીક્ષા કરી. ખાસ કરીને, નગરપાલિકા હસ્તકના જુદા જુદા કાર્યક્ષેત્રો પર વધુ અસરકારક કામગીરી થાય તે માટે તાકીદ કરી.
કમિશનરે ઉના, કોડીનાર અને સુત્રાપાડા નગરપાલિકાઓની સ્થળ મુલાકાત લીધી. ઉનામાં ડમ્પ સાઈટ, પ્રોસેસિંગ પ્લાન્ટ અને સ્મશાનની મુલાકાત લઇ જરૂરી કામ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે સોલાર સિસ્ટમ દ્વારા વીજ બિલમાં થતી બચતનું પ્રશંસાપૂર્વક ઉલ્લેખ કર્યો અને અન્ય નગરપાલિકાઓને પણ આવી વ્યવસ્થા અમલમાં લાવવા માટે પ્રોત્સાહિત કર્યા.
કોડીનાર ખાતે રોડ રીપેરીંગ સાઇટ, રીવરફ્રન્ટ અને નક્ષત્રવન ગાર્ડન જેવા વિકાસકામોની મુલાકાત લઇ સમયમર્યાદામાં ગુણવત્તાપૂર્વક કામ થવું જોઈએ તેવા દિશાનિર્દેશ આપ્યા. સુત્રાપાડામાં સ્મશાન અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરીના અભ્યાસ બાદ પાણીની ગુણવત્તા અને નિયમિત મોનીટરીંગ અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
આ સાથે, અમૃત ૨.૦, સ્વચ્છ ભારત મિશન, ૧૫મું નાણાપંચ જેવી યોજનાઓ હેઠળના કામોની સમીક્ષા અને કોર્પોરેટ સહયોગ તેમજ જિલ્લાની મિનરલ ફંડથી નગરપાલિકાને સહાય મળી શકે તે માટે યોગ્ય દરખાસ્ત કરવાની સુચના આપવામાં આવી.
સંદર્ભ માહિતી:
ઉના નગરપાલિકા સ્થાપના: ૧/૧૦/૧૯૮૬ | વસ્તી: ૬૮,૫૨૧ | વોર્ડ: ૯
કોડીનાર નગરપાલિકા સ્થાપના: ૧/૪/૧૯૯૭ | વસ્તી: ૫૩,૦૦૦ | વોર્ડ: ૯
સુત્રાપાડા નગરપાલિકા સ્થાપના: ૧૪/૮/૨૦૦૫ | વસ્તી: ૨૭,૫૨૧ | વોર્ડ: ૭
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ