જુનાગઢ જિલ્લાના મરમઠ ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
પ્રાકૃતિક ખેતીથી સંવર્ધિત અળસીયા ખેડૂતો માટે રાત દિવસ જમીન ઉપજાઉ બનાવવાનું કામ કરે છે: રાજ્યપાલ શ્રી
પ્રાકૃતિક ખેતી જમીનને બંજર બનતા અટકાવે છે અને પુર – દુષ્કાળ બંનેનું નિયંત્રણ કરે છે-રાજ્યપાલશ્રી
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોને બિરદાવતા રાજ્યપાલશ્રી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના મરમઠ ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. જેમાં ખેડૂતોને સંબોધતાં રાજયપાલશ્રીએ કહ્યું કે, જંગલમાં ફળદ્રુપતાનો જે નિયમ લાગુ પડે છે એ જ નિયમ ખેતીમાં લાગુ પડે તેનું નામ પ્રાકૃતિક ખેતી. રાજયપાલશ્રીએ ઉમેર્યું કે જમીનને બંજર બનતા અને લોકોને વિવિધ જીવલેણ રોગથી બચાવવા માટે કોઈ ઉપાય હોય તો તે પ્રાકૃતિક ખેતી છે.જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને વિવિધ ઉદાહરણ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે સમજ આપી હતી.
રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતી માનવજીવન અને પર્યાવરણને કઈ રીતે નુકસાન કરે છે તે વિવિધ દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું હતું અને જૈવિક ખેતી અને પાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો હતો. જૈવિક ખેતીથી ઉત્પાદન ઘટી શકે પણ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું નથી અને ઉત્પાદન ખર્ચ પણ ઘટે છે તેની વિગતવાર સમજણ આપી હતી. જૈવિક ખેતીમાં ખૂબ વધારે ગોબર જોઈએ છે. ગોબર નાખવાથી ઉત્પન્ન થતો મિથેન ગેસ એ પર્યાવરણને નુકસાન કરતા કાર્બન ડાયોક્સાઇડ કરતા વધારે નુકસાનકારક છે. માત્ર એક ગાય હોય તો પણ પ્રાકૃતિક ખેતી આસાનીથી થાય છે તેની પણ સમજણ આપી હતી.વધુમાં રાજ્યપાલશ્રીએ રસાયણોના આડેધડ ઉપયોગને લીધે જમીન બંજર બની જાય છે અને જમીનનું નીચેનું પડ સખત બને છે જેનાં પરિણામે સામાન્ય વરસાદના સમયમાં પાણીનો ખેતરોમાં ભરાવો થાય છે તેની સમજણ આપી હતી.
દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂતોના મિત્ર કીટકો જમીન માટે જરૂરી પોષક તત્વોની પૂર્તિ કરે છે અને અળસિયા સહિતના જીવાણુઓ જમીનને પોચી કરવાનું કાર્ય કરે છે જેના લીધે ચોમાસામાં વરસાદનું પાણી જમીનમાં શોષાઈ જાય છે. અળસિયા પ્રકૃતિની દેન છે અને ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે. રાત દિવસ કામ કરે છે જે ગાયના ગોબરથી અને પ્રાકૃતિક ખેતીથી પોષણ મેળવે છે. રાજ્યપાલશ્રીએ હરિયાણામાં તેમની વિશાળ પ્રાકૃતિક ખેતીની જમીનના વિડીયો સાથેના દ્રષ્ટાંતો આપી ખેડૂતોને વિગતવાર સમજણ આપી હતી.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ખેડૂતભાઈઓની ગ્રંથી હોય છે કે, વધુ રાસાયણિક ખાતર વાપરવાથી વધુ ઉત્પાદન મળે છે પરંતુ હકીકતમાં તેનાથી તદ્દન વિપરિત થઈ રહ્યું છે. જો ખેડૂતો ઈમાનદારીપૂર્વક પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોનો વ્યવસ્થિત રીતે અમલ કરે તો તેનું પરિણામ ચોક્કસ મળશે. આગામી સમયમાં સારા-સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ આધારિત ખેતી અપનાવી, ખર્ચ ઘટાડવા સાથે ઉત્પાદકતા વધે તે માટે ગૌ આધારિત ખેતી કરવા માટે સૌ કટિબદ્ધ થઈએ તે માટે અનુરોધ કર્યો હતો. ખેડૂતોએ પણ પ્રાકૃતિક ખેતી કરવા સંકલ્પ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ જુનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા – જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્લેટફોર્મ મળે તે માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને બિરદાવ્યા હતા.
રાજ્યપાલશ્રીએ મકરસંક્રાતિના પવિત્ર તહેવારની સૌને શુભકામના પાઠવી હતી. પતંગોત્સવ ઉજવી રહેલા મરમઠ ગામનાં બાળકોને મળી શુભકામના પાઠવી હતી. ડિજિટલ સુરક્ષા ક્ષેત્રે જાગૃતિ આવે તે માટે ડિજિટલ સુરક્ષાનો લોગો વાળી પતંગ ચગાવી અને ડિજિટલ સુરક્ષા નો સંદેશો આપ્યો હતો. આ વેળાએ કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા અને ઇન્ચાર્જ એસપી શ્રી ભગીરસિંહ જાડેજા પણ સહભાગી થયા હતા.
આત્મા ડાયરેક્ટર શ્રી દિપક રાઠોડે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં ૨૧ હજાર ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે અને ૮૧૦૦ જેટલા ગૌ લાભાર્થીઓ છે વધુમાં તેમને જિલ્લામાં ૯૮ ક્લસ્ટર અને ૧૯૮ મોડેલ ફાર્મ આવેલા છે અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના વેચાણ માટે પ્રાકૃતિક કૃષિ હાટ સહિતની વ્યવસ્થાઓ અને જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની કામગીરીની માહિતી આપી હતી.ખેડૂતોને કૃષિ મહાવિધાલયનાં આચાર્ય શ્રી પી. ડી. કુમાવત અને માસ્ટર ટ્રેનર નારણભાઈ વાળા દ્વારા ખેડૂતોને પાંચ આયામો અને પ્રાકૃતિક કૃષિના મહત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિના વિવિધ ઉત્પાદનોના સ્ટોલ્સનું નિરીક્ષણ કરી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.
જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં માણાવદરનાં ધારાસભ્ય શ્રી અરવિંદભાઇ લાડાણી, કેશોદનાં ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, માણાવદર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રમાબેન ઝાલાવાડીયા, જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલ રાણાવાસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ભગીરથ સિંહ જાડેજા, મરમઠ ગામનાં સરપંચ શ્રી પરબતભાઈ વરૂ સહિત અધિકારીઓ અને ખેડુતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)