ફાટેલા હોઠ સાથે જન્મેલી રીવાને રાજ્ય સરકારના આર.બી.એસ.કે. અંતર્ગત ફરી મળી નવી સ્મિતભરી જિંદગી, લાખ રૂપિયાની સારવાર વિના મૂલ્યે મળી.

ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામના પંપાણિયા પરિવાર માટે ૪ ઓક્ટોબર ૨૦૨૪નો દિવસ ખાસ હતો. તેમના ઘરે દીકરી રીવાનો જન્મ થયો હતો. પરિવારની ખુશી તત્કાળ ચિંતામાં ફેરવાઈ ગઈ, કારણ કે રીવાના જન્મજાત ફાટેલા હોઠની સમસ્યા હતી. આ પ્રકારની ખામીથી નાનપણથી જ બાળકની ખોરાક લેવાની, બોલવાની તેમજ વિકાસની પ્રક્રિયામાં મુશ્કેલીઓ ઊભી થાય છે. રીવાના પિતા જયદીપભાઈ પંપાણિયા અને પરિવારજનો ઓપરેશન માટે ખર્ચ વધતા ચિંતિત હતા, કારણ કે ખાનગી હોસ્પિટલમાં આવું ઓપરેશન લગભગ એક લાખ રૂપિયા જેટલું ખર્ચાળ હોય છે.

આ સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) જેવી યોજનાઓ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આર.બી.એસ.કે.ની સ્થાનિક ટીમ અને આશાબહેનો દ્વારા રીવા વિશે જાણકારી મેળવ્યા પછી તરત જ તેમના ઘરે જઈ તપાસ કરવામાં આવી. ટીમે પરિવારને સમજૂતી આપી કે રીવાને યોગ્ય ઉંમરે ઓપરેશન કરીને સરળતાથી એ સમસ્યાથી મુક્ત કરી શકાય છે. ડોક્ટરોના માર્ગદર્શન મુજબ જ્યારે રીવા ૮ મહિનાની થઈ અને તેમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા, ત્યારે રાજકોટની ધ્રુવ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જન દ્વારા વિના મૂલ્યે સફળ ઓપરેશન કરવામાં આવ્યું.

આ ઓપરેશનમાં રીવાના પરિવારને ન તો કોઈ પ્રકારનો પૈસાનો ખર્ચ આવ્યો, ન તો હોસ્પિટલની ફી, અને ન જ આવવા-જવાના કે રહેવા અંગેની કોઈ ચિંતા રહી. આર.બી.એસ.કે.ના મેડિકલ ઓફિસર ડો. દિશા ચૌહાણે જણાવ્યું કે, બાળકને સંપૂર્ણ સ્વસ્થ અને સાજું કરવા માટે આર.બી.એસ.કે. ટીમ ઘરો સુધી પહોંચી રહી છે અને જરૂરી સારવાર માટે તમામ સહાયતા આપી રહી છે. તેઓએ ઉમેર્યું કે, આવી જાતની સર્જરીનો ખર્ચ સામાન્ય રીતે ૬૦-૭૦ હજારથી શરૂ થઈ અંદાજે ૧ લાખ સુધીનો થાય છે, જે હવે નિઃશુલ્ક ઉપલબ્ધ થઈ રહી છે.

રીવાના પિતાએ કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું કે, એક સામાન્ય વ્યક્તિ માટે આવો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ છે, પણ સરકારની આ યોજનાએ અમારા બાળકને નવી જિંદગી આપી છે. આવી યોજનાઓ નાના માણસો માટે આશા અને ભરોસાનું સમર્થન બની રહી છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ