‘ફ્રેન્ડસ ઓફ કેટલ’ અંતર્ગત ગૌશાળાને દાન – શહેરમાં રખડતા ઢોરના પ્રશ્નને લઈ પાલિકાની ચેતવણી.

જૂનાગઢ, તા. 01 ઓગસ્ટ – જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં આજે ‘ફ્રેન્ડસ ઓફ કેટલ’ અભિયાન અંતર્ગત મનપાના કર્મચારી શ્રી રાજશીભાઇ ઓડેદરાએ પોતાના જન્મદિન નિમિત્તે રૂ.500 નું રોકડ દાન આપ્યું. ગૌસેવા માટે આ પ્રકારના નમ્ર પ્રયાસોએ શહેરમાં સકારાત્મક સંદેશ પહોંચાડ્યો છે.

શહેરમાં રખડતા ઢોરના મુદ્દે મહાનગરપાલિકા સતત પ્રયાસશીલ છે. પાલિકા મુજબ ઘણા શહેરીજનો પોતાના ધર્મકાર્ય કે પુણ્ય માટે જાહેરમાં ઘાસચારો નાખી ગૌવંશને ખવડાવે છે. જોકે આથી જાહેર માર્ગો પર ગંદકી ફેલાઈ રહી છે અને ટ્રાફિકમાં અડચણ ઉભી થાય છે.

તેઓને સુચના આપવામાં આવી છે કે ઘાસચારો ખરીદતા પહેલા ખાતરી કરો કે એ અનધિકૃત વિક્રેતાઓ પાસેથી ન હોય. અનધિકૃત ઘાસચારો વેચનારાઓ સામે તાકીદે કાર્યવાહી હાથ ધરાશે.

માન. કમિશ્નર તેજસ પરમારની સૂચનાથી નાયબ કમિશ્નર એ.એસ. ઝાંપડા તથા અધિકારી જયેશ પી. વાજાની આગેવાની હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ઢોર પકડવાની તેમજ જાહેરમાં ઘાસચારો વેચતા વ્યક્તિઓ સામે કાર્યવાહી ચાલી રહી છે.

શહેરના ખામધ્રોળ, સુખનાથ ચોક તેમજ અન્ય ગૌશાળાઓમાં રખડતા ઢોરને રાખવામાં આવે છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા “ફ્રેન્ડસ ઓફ કેટલ” કાર્યક્રમ હેઠળ શહેરીજનો ઘાસચારાનું દાન જનસેવા કેન્દ્રો, ઝોનલ ઓફિસો તેમજ સીધા ગૌશાળાઓમાં આપી શકે છે. દાનની પાવતી પણ આપવામાં આવશે અને તે રકમનો ઉપયોગ ગૌવંશ માટેની વ્યવસ્થા માટે જ થશે.

અંતે, પાલિકા દ્વારા અનુરોધ કરાયો છે કે શહેરીજનો ઘાસચારો જાહેરમાં ન નાખે અને ગૌસેવાના ઉદ્દેશથી સહયોગી બન્યા રહે. લોકોમાં પણ પ્રશ્ન ઊઠી રહ્યો છે કે આજે પણ ઢોરો સોસાયટીઓ અને રોડ પર કેમ અડો જમાવે છે? શું તંત્ર સજાગ છે? હવે સમય આવી ગયો છે કે મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે કામગીરી કરી આ સમસ્યા માટે એક સ્થાયી ઉકેલ લાવે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ