ફ્રેન્ડસ ઓફ કેટલ: જુનાગઢ મહાનગર સેવા સદન સંચાલિત ગૌશાળાને ૫૫ મણ લીલો ઘાસ ચારાનું દાન!

જૂનાગઢ, તા. ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૫:

જુનાગઢ મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ અને ગૌવંશને સુરક્ષિત રાખવા માટે સતત પ્રયત્નશીલ છે. શહેરીજનો દ્વારા ગૌવંશ માટે દાનના શુભ કાર્યને વધુ મજબૂતી આપવા ‘ફ્રેન્ડસ ઓફ કેટલ’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

શહેરમાં રખડતા ગૌવંશને નિયંત્રણમાં રાખવા, અનધિકૃત ઘાસચારા વેચતા ઇસમો પર કાર્યવાહી કરવા અને ગૌશાળાઓમાં ગૌવંશ માટે યોગ્ય સંભાળ પૂરી પાડવા માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે. માન. મહાનગરપાલિકા કમિશ્નર ડૉ. ઓમ પ્રકાશની સૂચનાથી, નાયબ કમિશ્નર એ.એસ. ઝાંપડા અને ડી.જે. જાડેજા દ્વારા શહેરમાં ગૌવંશની સ્થિતિ સુધારવા અને જાહેરમાં ઘાસચારો વેચવા અથવા નાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળાઓમાં, ખાસ કરીને ખામધ્રોળ રોડ ટોરેન્ટ ગેસ પાસે આવેલી ગૌશાળા માટે, રાધે શ્યામ ગૌશાળા દ્વારા ૫૫ મણ લીલો ઘાસ ચારો દાન આપવામાં આવ્યો છે. આ દાનને કારણે ગૌવંશ માટે પોષણયુક્ત ચારો ઉપલબ્ધ થયો છે.

શહેરીજનો માટે અપીલ:

મહાનગરપાલિકા, જુનાગઢ શહેરીજનોને અપીલ કરે છે કે, તેઓ ગૌવંશ માટે દાન કરવા ઈચ્છતા હોય તો મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ‘ફ્રેન્ડસ ઓફ કેટલ’ યોજના અંતર્ગત, વિવિધ ઝોનલ ઓફિસોમાં દાનની રકમ આપી શકે છે. તેમના દાનનો ઉપયોગ ગૌશાળાઓમાં ગૌવંશ માટે ઘાસચારો ઉપલબ્ધ કરવામાં થશે અને તેમને પ્રમાણપત્ર (રીસીટ) પણ આપવામાં આવશે.

જુનાગઢ શહેરમાં ગૌવંશ માટે ખાસ કરીને (૧) ખામધ્રોળ ટોરેન્ટ ગેસ પાસેની ગૌશાળા અને (૨) સુખનાથ ચોક સાવજના ડેલા પાસે આવેલી ગૌશાળામાં જઇને સીધું દાન કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મહાનગરપાલિકા દ્વારા ચેતવણી:

શહેરમાં જાહેરમાં ઘાસચારો વેચવા કે નાખવા પર પ્રતિબંધ છે. જો કોઈ શહેરીજન જાહેર સ્થળો પર ગૌવંશ માટે ઘાસચારો નાખે અથવા વેચે, તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરપાલિકા, જુનાગઢ શહેરીજનોને અનુરોધ કરે છે કે તેઓ ગૌવંશ માટે ઘાસચારા અને અન્ય જરૂરિયાતોની વ્યવસ્થા ગૌશાળાઓમાં જ દાનરૂપે આપવાની પધ્ધતિ અપનાવે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ