બનાસકાંઠામાં દાંતા સિવિલમાં પાણી ભરાતા મહિલા દર્દીઓને ટ્રેકટરમાં અન્ય હોસ્પિટલમાં ખસેડાયા.

બનાસકાંઠા

બનાસકાંઠામાં વરસાદના પગલે દાતા સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ ઊભી થઈ છે જોકે વર્ષોથી આ સિવિલમાં વરસાદી પાણી ભરાઈ જતા આ સિવિલને અન્યત્ર ખસેડવાની માંગ ચાલી રહી છે પરંતુ આજ દિન સુધી આ સિવિલ હોસ્પિટલ ને અન્યત્ર ન ખસેડાતા આ ચોમાસામાં પણ પહેલા જ વરસાદે સિવિલ હોસ્પિટલના ઓપરેશન થિયેટર તેમજ વોર્ડમાં પાણી ઘુસી ગયા હતા. સિવિલમાં પાણી ઘુસી જતા સિવિલ હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દીઓને અન્યત્ર હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી જોકે પાણી ભરાવાની સ્થિતિમાં દાતા સિવિલમાં અંદર જવા માટે દોરડાઓની સહારાથી સ્થાનિક લોકો સિવિલમાં ઘૂસ્યા હતા અને મહિલા દર્દીઓને ટ્રેક્ટર મારફતે અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા અને ડોકટરોને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં ભરાયેલા પાણીના સ્થાનિકોએ વીડિયો બનાવી વાયરલ કર્યા હતા આ સિવિલને અન્ય જગ્યાએ ખસેડવાની વર્ષોની માંગ આજેય અધ્ધરતાલ જ છે

સ્થાનિકોનું કહેવું છે કે આ અંગે આરોગ્યમંત્રી ઋષીકેશ પટેલ સમક્ષ પણ રજૂઆતો કરાઈ હતી જે બાદ મંત્રીએ સિવિલને અન્ય જગ્યાએ ખસેડવા માટેનુ આશ્વાસન આપ્યું હતું પરંતુ વર્ષોની પરિસ્થિતિ આજેય અહીંયા યથાવત જોવા મળી રહી છે જોકે ભારે વરસાદમાં આ સિવિલની શુ હાલત થાય તે કલ્પના કરી શકાય તેમ નથી

અહેવાલ:- અયુબ પરમાર (બનાસકાંઠા)