બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળા ખાતે પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત.

અંબાજી

યાત્રાધામ અંબાજી ખાતે ૧૨ મી સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો છે. મેળામાં સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળા ખાતે પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમના માધ્યમથી ૩૫૦ CCTV કેમેરા દ્વારા મેળામાં સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે.

આ અંગે વાત કરતા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા જણાવે છે કે, બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા 51 શક્તિપીઠ અંબાજી ખાતે પોલીસ કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે. આ પોલીસ કંટ્રોલરૂમમાં 350 થી વધારે સીસીટીવી કેમેરાનું ફીડિંગ આવે છે. આ તમામ કેમેરાઓ પર ૨૪*૭ સતત નજર રાખવામાં આવી રહી છે. જેના માટે જિલ્લા પોલીસ ટીમ કંટ્રોલરૂમ પર સતત ફરજ બજાવે છે.

વધુમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જણાવે છે કે ખાસ કરીને એવો સમય જ્યારે મંદિર શરૂ થવાનું હોય એટલે કે સવારે ૫ કલાક થી ૭ કલાક સુધીનો સમય અને સાંજે ૫:૩૦ કલાકથી ૬:૩૦ કલાક સુધીના સમયમાં ઘણા લોકો એક સ્થળે ભેગા થતા હોય છે. ત્યાં પિકપોકેટિંગના બનાવો, બીજા બનાવો કે લો એન્ડ ઓર્ડરના અન્ય બનાવો ન બને તેની સાવચેતીના ભાગરૂપે મેળામાં દરેક પોઇન્ટ પર પોલીસ ખડેપગે તૈનાત રાખવામાં આવી છે. આવા પોઇન્ટ ઉપર VHF ચેનલ હોય છે. જેના મારફત ત્યાં હાજર રહેલ પોલીસને જાણ કરવામાં આવે છે. જેનાથી તાત્કાલિક પોલીસ એક્શન લઈ શકે છે. આ પ્રકારની કાર્યવાહી કંટ્રોલરૂમ ખાતે કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મેળામાં પોલીસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.ત્રિશુલિયા ઘાટ પાસે બાઈક પર સવાર મહિલા પડી જતા અકસ્માત થતા તાત્કાલિક જિલ્લા ટ્રાફિકના પોલીસ કર્મચારીઓ દ્વારા 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા.ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન સિનિયર સિટિઝનને બનાસકાંઠા પોલીસ મદદરૂપ થતી જોવા મળે છે. આ ઉપરાંત મહામેળા દરમિયાન પોતાના પરિવારથી વિખુટા પડેલાઓને પોલીસે તેમના વાલીવારસ સાથે મિલન પણ કરાવ્યું હતું.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)