
બાળમજૂરી નાબૂદી માટેની સુરત જિલ્લા ટાસ્ક ફોર્સએ સુરતના ઉધના અને ભીંડી બજાર(ઉન) એમ બે સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં ઉનથી ૧૨ વર્ષીય સાહિલ અને ૧૪ વર્ષીય અરમાન બદલેલ નામો) નામના બાળકિશોરો મળી આવ્યા હતા. શ્રમ અધિક્ષક, મદદનીશ શ્રમ અધિકારી, સુરત મનપાના કર્મચારીઓ, પ્રયાસ ટીમ સહિતના સ્ટાફે રેડની કાર્યવાહી કરી હતી. સાહિલ બિહારના કાલુપુરનો જ્યારે અરમાન ઉત્તરપ્રદેશનો વતની છે. બંને ઉનમાં અમદાવાદી બિરયાની હોટલમાં હેલ્પર તરીકે કામ કરી રહ્યા હતા. બંને કિશોરોને કતારગામની વી.આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવ્યા છે. તેમના દસ્તાવેજો મળી આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે એમ નાયબ શ્રમ આયુક્ત કચેરી-સુરત દ્વારા જણાવાયુ છે.