બી.એ.પી.એસ ના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જુનાગઢમાં ૧૩ દિવસ ગાળીને આજે થયા વિદાયમાન.

જૂનાગઢ

બી.એ.પી.એસ સંસ્થાના વર્તમાન ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કુલ ૧૩ દિવસના રોકાણ બાદ આજે તા. ૧૩/૧૦/૨૦૨૪ ના રોજ જૂનાગઢની ભાવિક જનતાને , મહાનુભાવોને, તથા આશ્રિત સંતો-સત્સંગીઓને મળીને જૂનાગઢથી ગોંડલ જવા વિદાય થયા હતા. પોતાની ૯૨ વર્ષની વૃદ્ધ ઉમરે પોતાનાં શરીરની તકલીફોની અવગણના કરીને તેઓ ખાસ સ્વેચ્છાએ જૂનાગઢ પધાર્યા હતા અને નાનાં મોટાં સૌને મળીને દર્શન આશીર્વાદ આપ્યા હતા. રોકાણ દરમિયાન તેમણે અક્ષરવાડી કેમ્પસમાં બી.એ.પી.એસ વિદ્યામંદિરની મુલાકાત પણ લીધી હતી અને વિદ્યાર્થીઓ શિક્ષકોને આશીર્વાદ આપીને સ્કૂલ કેમ્પસ તથા હોસ્ટેલ કેમ્પસમાં પણ પગલાં પડ્યાં હતાં.

મહંત સ્વામી મહારાજ આજે વિદાય પૂર્વે ખુરશી પર વિરાજમાન થઈને મંદિરમાં દર્શનાર્થે પધાર્યા હતા. ઘનશ્યામ મહારાજના ખંડમાં દર્શન કરીને મુખ્ય ખંડમાં દર્શન કર્યા હતા. મુખ્ય ખંડમાં સુશોભિત અર્ધ ગોળાકાર પ્લેટફોર્મ પર આશરે ૬૦ જેટલાં મિષ્ટાન્નનો અન્નકૂટ શ્રીઅક્ષર પુરુષોત્તમ મહારાજ સમક્ષ ગોઠવવામાં આવ્યો હતો જ્યાં અન્નકૂટ સાથે સ્વામીશ્રીની સ્મૃતિછબી પણ લેવામાં આવી હતી.

દર્શન બાદ સ્વામીશ્રી સીધા સભા મંડપમાં પધાર્યા હતા અને અને સહુ હરિભક્તોને દર્શન દાન આપ્યાં હતાં.પૂજ્ય કોઠારી ધર્મવિનયદાસ સ્વામીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો સહુ સંતો ભક્તો વતી જૂનાગઢ પધારવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સ્વામીશ્રીએ પોતા અભયહસ્ત આશીર્વાદ મુદ્રામાં ઊંચા કરીને સભામાં ચારે તરફ હરિભક્તોને આશિષ આપ્યા હતા તથા સહુ હરિભક્તોને એક સાથે ભેટતા હોય તેમ હાથ પહોળા કરીને ભેટવાની સંજ્ઞા કરીને પ્રેમ ભાવ વ્યક્ત કર્યો હતો. બી.એ.પી.એસ જૂનાગઢ મંદિરના સ્થાનિક સંતોએ સ્વામીશ્રીને હાર પહેરાવીને આશીર્વાદ મેળવીને ભાવભીનાં હૈયે વિદાય આપી હતી.

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બપોરે ૧૧: ૦૦ વાગ્યે મંદિર કેમ્પસમાંથી વિદાયમાન થયા હતા. જૂનાગઢ શહેરના S.P શ્રી હર્ષદભાઈ મહેતાએ એગ્રીકલ્ચર કેમ્પસના હેલીપેડ પરથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને હાર પહેરાવી , આશીર્વાદ મેળવી , વિદાયમાન આપ્યા હતા. મહંત સ્વામી મહારાજના સ્ટાફના ડોક્ટર સંતોએ જણાવ્યું હતું કે ‘મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય જૂનાગઢમાં ખૂબ જ સારું રહ્યું. જૂનાગઢના હવા પાણીથી તેઓ સંપૂર્ણ સ્વસ્થ રહ્યા.’તેઓએ મીડિયા વિભાગના તંત્રીશ્રીઓ અને પત્રકાર ભાઈઓ પર પણ પ્રસન્નતા દાખવી હતી. ભારતે ગુમાવેલું રત્ન શ્રી રતન ટાટાને પણ તેઓએ અહીંથી જ શ્રદ્ધાંજલિ આપી હતી. તેર તેર દિવસ સુધી મહંત સ્વામી મહારાજનાં દર્શન કથા વાર્તા અને સેવાનો લાભ મેળવીને હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)