બોટાદના રાણપુરમાં છેલ્લા 2 વર્ષથી પ્રાકૃતિક ઢબે મરચી અને મગફળીની ખેતી કરી ખૂબ સારૂં વળતર મેળવ્યું.

બોટાદ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરતાં આપણાં રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ માર્ગદર્શનની ફળશ્રૃતિરૂપે પ્રાકૃતિક ઢબે ખેતી કરવા તરફ નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તનનું પ્રેરણાદાયી ઉદાહરણ બોટાદના રાણપુર તાલુકાના ખેડૂત પુરું પાડી રહ્યા છે, જેમણે સમૃદ્ધિના નવા યુગની શરૂઆત કરીને કુદરતી ખેતીની તકનીકોનો ઉપયોગ કરી સફળતાપૂર્વક મરચા અને મગફળીની ખેતી કરી છે.

રાણપુર તાલુકાના નાના એવા અણિયાળી કાઠી ગામ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા મહિપતભાઈ અગાઉ વર્ષો સુધી રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ કરતા હતા, ધીમેધીમે તેમની જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી હતી, ત્યારેબાદ તેઓ પ્રાકૃતિક કૃષિ વિશે બોટાદ જિલ્લામાં ચાલતી વિવિધ શિબિરોમાં ભાગ લેતા થયા અને પ્રાકૃતિક કૃષિ કરવાનું શરૂ કર્યું હતું.

પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત મહિપતસિંહ ડાભી જણાવે છે કે, “હું 2 વર્ષથી પ્રાકૃતિક ઢબે મરચી અને મગફળીની ખેતી કરૂ છુ. જેમાં મને ખુબ સારૂં વળતર મળે છે. જ્યારે હું વિલાયતી ખાતર વાપરતો ત્યારે મારે છોડ પાકી જવાની વધારે બીક રહેતી અને ખર્ચા પણ વધારે રહેતા, પરંતુ હવે ખર્ચ પણ બચે છે અને છોડ ક્યારેય સુકાતો પણ નથી. એટલે હું પ્રાકૃતિક કૃષિ કરવાનું વધારે પસંદ કરૂ છું. મરચી તૈયાર થયા બાદ સુકું મરચું બોટાદમાં થડા નાખીને બેસતા ચુડાના વેપારીઓને વેચાણ કરૂં છું. જેમાં ગયા વર્ષે મારે મણદીઠ 4300 રૂ. લેખે વેચાણ થયું હતું. આ ઉપરાંત બાકીનું મરચું ઘરે જ દળીને આજુબાજુના લોકોને વેચાણ કરૂં છું જેમાંથી મને સારો એવો નફો મળી રહે છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “એક હેક્ટર જમીનમાં 2600 મરચીના રોપાનું વાવેતર કર્યુ છે. મારે 20 ગાય-ભેંસોનો તબેલો છે. જેથી તેમાંથી જ દેશી ખાતર અને ગૌમુત્રનો ઉપયોગ કરૂ છું. પ્રાકૃતિક કૃષિથી 6 થી 6.50 લાખ સુધીની વાર્ષિક આવક મળી રહે છે.” જિલ્લાના અન્ય ખેડૂતોને અનુરોધ કરતા મહિપતસિંહે જણાવ્યું કે, “પ્રાકૃતિક ખેતી કરવામાં ખર્ચ ઓછો લાગે છે તેમજ અળસીયા બને છે જેથી જમીન ફળદ્રુપ બને છે. જ્યારે રાસાયણિક ખેતી કરવાથી અળસીયા મૃત્યુ પામે છે અને જમીનની ફળદ્રુપતા નષ્ટ પામે છે, તો તમામ ખેડૂતોએ વહેલી તકે પ્રાકૃતિક કૃષિ અપનાવવી જોઈએ.”

આર્થિક સમૃદ્ધિ અને પર્યાવરણ બંને જાળવી રાખવા માટે પ્રાકૃતિક ઢબે કૃષિ અતિ આવશ્યક છે. આ ખેતી પદ્ધતિ ઓછા ખર્ચે અને ઓછા જોખમો સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા પાકની ક્ષમતા ધરાવે છે. ખેતીવાડી વિભાગ, આત્મા તેમજ બાગાયત વિભાગના સંયુક્ત પ્રયાસોના પરિણામે બોટાદ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ પ્રયાણ કરી ઉજ્જવળ ભાવિના દ્વાર આંબી રહ્યા છે.

અહેવાલ:- લાલજી ચાવડા (બોટાદ)