બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ.

બોટાદ

બોટાદ કલેકટર કચેરી ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં આયોજન મંડળ હસ્તકની વિવિધ જોગવાઈઓ, માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ચાલુ કામો સહિતના મુદ્દે વિગતવાર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.

વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન સહિતના મુદ્દે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપતા મંત્રીશ્રી

પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લામાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તથા તમામ સરકારી કચેરીઓ આ અભિયાન હેઠળ જોડાય તે બાબતે સૌને માર્ગદર્શિત કર્યા હતા. સાથોસાથ સ્વચ્છતા અભિયાનને વધુ વેગવાન બનાવવા માટે ભાર મૂક્યો હતો.

જિલ્લાના પ્રભારી મંત્રીશ્રીએ વિકાસ કામોનો પ્રગતિ અહેવાલ જોઈ લોકહિતના કામો ખુબ ઝડપથી થાય અને ગુણવત્તા યુક્ત થાય તેની તકેદારી રાખવા અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.

મંજુર કરાયેલા વિકાસકામો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને તાકીદ કરતા પ્રભારી મંત્રીશ્રી

જિલ્લા કલેકટરશ્રી ડો. જીન્સી રોય તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુદાનીયા દ્વારા પ્રભારી મંત્રીશ્રીને જિલ્લાના પ્રગતિ હેઠળના વિકાસ કાર્યોની વિશેષ માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં ગઢડાના ધારાસભ્યશ્રી શંભુપ્રસાદજી ટૂંડિયા દ્વારા માર્ગદર્શિત સૂચનો કરવામાં આવ્યા હતા.

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જેઠીબેન પરમાર, જિલ્લાના અગ્રણી શ્રી મયુરભાઈ પટેલ, બોટાદ ધારાસભ્યશ્રીના પ્રતિનિધિ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે. એફ. બલોલિયા, નાયબ વન સંરક્ષકશ્રી આયુષ વર્મા, નિવાસી અધિક કલેકટરશ્રી પી.એલ.ઝણકાટ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:- લાલજી ચાવડા (બોટાદ)