સિહોર: તા. 28 જૂન, 2025 – રાજ્યભરમાં ઉજવાતા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2025 અંતર્ગત શિહોર તાલુકાના બોરડી ગામમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે સિહોર પ્રાંત અધિકારી ભૂમિકાબેન વિશેષ હાજરીમાં રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ધોરણ-8 ની વિદ્યાર્થિનીઓના સ્વાગત ગીતથી થઈ હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય સાથે પ્રવેશોત્સવનો શુભારંભ થયો. આંગણવાડીના નાનાં ભૂલકાઓને કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા. ધોરણ-1 માં પ્રવેશ મેળવનારા 17 વિદ્યાર્થીઓને શાળાની શિક્ષિકા લત્તાબેન સિંગલે કીટ આપી સન્માન આપ્યું.
શાળાના ધોરણ 1 થી 8 સુધીના શૈક્ષણિક રીતે શ્રેષ્ઠ ત્રણ શ્રેણી (પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમાંક) ધરાવતા વિદ્યાર્થીઓને શીલ્ડ આપી પ્રોત્સાહન આપ્યું હતું.
કાર્યક્રમના અંતે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં પ્રાંત અધિકારી ભૂમિકાબેન, પૂર્વ વિપક્ષ નેતા કરણસિંહ મોરી, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પ્રતાપસિંહ મોરી, સરપંચ લિલાબા મોરી સહિત ઘણા અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
આ ઉપરાંત ICDS વિભાગમાંથી રાજેશ્વરીબા જાડેજા, તલાટી રીનાબેન, તથા શિક્ષકગણ સહિત પધારેલા વાલીઓની હાજરીએ સમગ્ર કાર્યક્રમને ઉત્સાહભર્યું બનાવ્યું.
આ પ્રસંગે શાળાના આચાર્ય જગદીશભાઈ અને સ્ટાફ દ્વારા સુંદર સંચાલન કરવામાં આવ્યું.
અહેવાલ: સતાર મેતર, સિહોર