ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ગુજરાતિ ભવન દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો.

જૂનાગઢ તા. ૨૧, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી, જૂનાગઢનાં ગુજરાતિ ભવન, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરનાં સંયુક્ત ઊપક્રમે વિશ્વમાતૃ ભાષા દિવસની ઊજવણી કરવામાં આવી હતી, નરસિંહ મહેતા યુનિ.નાં એક્ઝયુક્યુટીવ કાઉન્સીલર ડો.દિનેશ દઢાણીયાની ઉપસ્થિતીમાં અને ગુજરાતી/ઈતિહાસ ભવનનાં વડા ડો.વિશાલ જોષીની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમને મહાનુભાવોએ દિપ પ્રાકટ્યથી પ્રારંભ કરાવ્યો હતો. ભવનનાં વિદ્યાર્થીઓએ અતિથીઓને પુષ્પ્ગુચ્છ અર્પણ કરી બહુમાન કર્યુ હતુ.

   કાલાવડ કોલેજનાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ ડો. સુનીલ જાદવે હેમચંદ્રચાર્યનાં વખતકાળથી લઇને અર્વાચિન સમયકાળ દરમ્યાન બદલાતી બોલીઓ, અને પરગણાની ભાષાઓ પર વાત કરતા જણાવ્યુ હતુ કે ભાષાએ અભિવ્યક્તિનું સાધન છે. એવું કહેવાય છે કે તમે ભલે કોઈપણ ભાષામાં વાત કરતાં હોય પણ જે ભાષામાં તમને સપના આવે એ તમારી માતૃભાષા છે. બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા.

ડો. જાદવે ગુજરાતી ભાષાનાં કવિઓ, ગદ્ય લખકો, સર્જકોની સર્જનમાળાને યાદ કરી માતૃભાાષાનું ગૈારવાન્વીત પાસુ રજુ કર્યુ હતુ.

  જાણીતા લોકસાહિત્યકાર અમુદાનભાઇ ગઢવીએ ઇતિહાસનાં અનેક દ્રષ્ટાંતો ટાંકીને ગુજરાતી માતૃભાષાની ગરીમા અને ગૈારવનું તળપદશૈલીમાં દુહાછંદની સંગાથે ગાન કર્યુ હતુ. શ્રી અમુદાનભાઇએ વર્તમાન સમયમાં સમાજ જે રીતે માતૃભાષાથી વિમુખ થતો જાય છે અને અન્ય ભાષાનાં વધતા જતા પ્રભાવ અને વધતું જતું પ્રમાણ જોઈને સમાજના અગ્રણી કેળવણીકારો ચિંતિત હોવાની વાત કરી  માતૃભાષા સંવર્ધન સંદર્ભે જનજાગૃતિ કેળવાય, શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાનું ગૌરવ જળવાય આદિ બાબતો તરફ સક્રિય પ્રવૃત્તિ કરે તે જરૂરી બન્યું છે તેમ જણાવ્યુ હતુ. 

      કાર્યક્રમમાં ઉપસ્થિત એક્ઝૂક્યુટીવ કાઉન્સીલ મેમ્બર ડો. દિનેશ દડાણિયાએ માતૃભાષા દિવસ અંતર્ગત જણાવ્યુ હતુ કે માતૃભાષા અને માતૃભૂમિનું ઋણથી ક્યારેય દુર રહી ન શકાય. વર્તમાન દેખા-દેખીનાં દિવસોમાં અંગ્રેજી મીડિયમમાં ભણાવવાનો ક્રેઝ વધ્યો છે. ઘરે બધા ગુજરાતી બોલતા હોવા છતા દરેક માતા-પિતા પોતાના બાળકને અંગ્રેજી મીડિયમમાં મુકવાનો આગ્રહ રાખે છે. અંગ્રેજી લખતા, બોલતા, વાંચતા આવડતું હશે તો બાળકોનું ભવિષ્ય ઊજળું બનશે તેવી આશામાં પણ અંગ્રેજી મીડિયમ માં મોકલવામાં આવે છે. બાળકો અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેતાં થતા ગુજરાતી લખતા-વાંચતા ભૂલી રહ્યા છે. માતૃભાષા આવડતી હોવા છતા તે વાત કરવાનું ટાળે છે. પણ એ ભૂલી જાય છે કે અંગ્રેજી પણ એક ભાષા જ છે.

   કાર્યક્રમનાં અધ્યક્ષ અને ગુજરાતી એવં ઈતિહાસ ભવનનાં વડા ડો.વિશાલ આર. જોષી એ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવણી ઉપલક્ષ્યે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યુ હતુ કે માતૃભાષાની સરળ સમજણ એ છે કે બાળકને માતા તરફથી મળેલી ભાષા છે. પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા છે, ૨૧મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે.

     કાર્યક્રમનાં પ્રારંભે ગુજરાની ભાષાનાં પ્રાધ્યાપક ડો.પારૂલ ભંડેરીએ અતિથીઓને શબ્દસૂમનથી આવકારી વિશ્વમાતૃભાાષા દિવસની ઉજવણીનો હાર્દ પ્રસ્તુત કર્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન ડો. કિશોર વાળાએ સંભાળ્યુ હતુ. કાર્યક્રમને વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો તથા સાહિત્યકારોનો તરફથી સુંદર પ્રતિસાદ સાંપડ્યો હતો. કાર્યક્રમનાં અંતે આભારદર્શન સંસ્કૃત વિભાગનાં અધ્યાપક ડો. ખજય મહેતાએ કર્યુ હતુ. 

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)