જૂનાગઢ તા.૧૭, ભક્તકવિ નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલયનાં ડિપાર્ટમેન્ટ ઓફ સોશ્યોલોજી એન્ડ સોશ્યલ વર્ક સેમેસ્ટર-૪નાં વિદ્યાર્થીઓને વિદાયમાન આપવાનો સફરનામા કાર્યક્રમ યુનિ.નાં મધ્યસ્થ ખંડમાં સમાજશાસ્ત્ર ભવનનાં વડા ડો.જયસિંહ ઝાલાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે વિદાઇ લઇ રહેલા વિદ્યાર્થીઓને અંગ્રેજી ભવનનાં વડા ડો.ફિરોઝ શેખે ઉજજ્વળ ભાવીની શુભકામનાં પાઠવતા જણાવ્યુ હતુ કે સાંપ્રત સમયમાં વધતા જતા સાયબરક્રાઈમનાં અપરાધો પરત્વે સજાગ બની મોબાઇલ અને ઈનટરનેટનો ઉપયોગ કરવા સદ્રષ્ટાંત શીખ આપી હતી. લાઇફ સાયન્સ ડિપાર્ટમેન્ટનાં વડા ડો.સુહાસ વ્યાસે યુનિ.નાં સોશ્યોલોજી વિભાગમાં અભ્યાસ પુર્ણ કરનાર વિદ્યાર્થીઓને આશિષ પાઠવી જણાવ્યુ હતુ કે જીવન સફરની ઉડાન માટે હવે ક્ષિતીજો કારકિર્દી ઘડતર માટે વિસ્તરી આવકાર આપી રહી છે ત્યારે આપ સૈા જીવનપથનાં ઉચ્ચત્તમ શિખરો સિધ્ધ કરી રાષ્ટ્ર અને યુનિ.નું નામ રોશન કરો, વિદાય એક એવો પ્રસંગ છે જે કઠણ હદયના માનવી ને પણ એક વખત આંખો માંથી આંસુ લાવી દે છે. શિક્ષકોથી છાત્રોની વિદાય વસમી હોય છે. વિદ્યાર્થી અનુસ્નાતક ભવન સાથે મિત્રો સાથે પ્રાધ્યાપકો સાથે એટલી આત્મીયતાથી બંધાઈ જાય છે કે જેને ભુલવા મુશ્કેલ થઈ જાય છે. કાર્યક્રમનાં પ્રારંભે સોશ્યલોજીનાં વડા ડો.જયસિંહ ઝાલાએ યુનિ.ભવનમાં બે વર્ષ સુધી વિદ્યાભ્યાસથી જોડાયેલ વિદ્યાર્થી ઓને ભારે હ્રદયે દિક્ષાંત શીખ આપતા જણાવ્યુ હતુ કે “તમારા દરેક સપનાને સાચી દિશા મળે, વિદાયના આ ક્ષણમાં ભવિષ્ય ખીલે.” “વિદાયમાં તમારું હૈયું ખુશીથી ભરાઈ જાય, તમારા જ્ઞાનથી દુનિયાને નવી રાહ મળે.” “તમારા ભવિષ્યની યાદમાં આ દિવસ ખાસ છે, વિદાયમાં આશા અને આશીર્વાદ ભીંજવાય છે.” “વિદાયનો આ સમય સાહસ અને શિખામણ ભરી દો, તમારા સ્વપ્નો ઊંડાણ સુધી ભરી દો.” ભવન પ્રારંભે પુ. મોરારીબાપુ દ્વારા ઉચ્ચારાયેલ શબ્દોને પ્રસ્તુ કરતા ડો. ઝાલાએ કહ્યુ કે શિક્ષાર્થે પ્રવેશ અને સેવાર્થે પ્રસ્થાનનાં સુત્રને સાર્થક કરજો.
આ પ્રસંગે પ્રાધ્યાપક ઋષીરાજ ઉપાધ્યાયે સુભાશિષ વ્યક્ત કરી કહ્યુ કે દિક્ષાંત વિદાય એ તો શરૂઆતની નવી દિશા છે. જીવન સુખમય બને, તમારા શ્રમથી દુનિયામાં નામ બને, ભવિષ્ય ઉજ્જવળ રહે, શ્રમથી જીવન નવી ઊંચાઈએ જાય.એવી તમારા ભવિષ્ય માટે અમારી શુભેચ્છાઓ આપની સાથે છે. આ પ્રસંગે વિદાઇ લઇ રહેલ વિદ્યાર્થીઓએ પોતાનાં અભ્યાસકાળનાં સંસ્મરણો પ્રસ્તુત કરી ગુરૂજનો પરત્વે કૃતજ્ઞતા વ્યક્ત કરી આશિર્વાદ મેળવ્યા હતા. પ્રો.ભાવસિંહ ડોડીયા અને ડો. પરાગ દેવાણી એ જણાવ્યુ હતુ કે દિક્ષાંત એ તો નવી આશાઓ અને ચિંતાઓનો સમય ગણાય પરંતુ કઠોર સાધના થકી તમારી કારકિર્દી ઉજ્જવળ બની જશે આજનો દિવસ એક નવી શરૂઆત છે, “વિદાય એ અંત નહીં પણ નવા દ્વારનો આરંભ છે, આ પ્રસંગે વિવીધ શ્રેણીમાં ઉત્કૃષ્ઠ સિધ્ધી હાંસલ કરનાર વિદ્યાર્થીઓને પ્રશસ્તી પત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા. સાથે વિદ્યાર્થી સ્મરણિકા પુસ્તક તથા વાર્ષિક કાર્યસિધ્ધી અહેવાલનું વિમોચન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીનીઓએ સંભાળ્યુ હતુ. યુનિ.નાં કૂલપતિ ડો.અતુલ બાપોદરાએ દિક્ષાંત છાત્રોને ઉજ્જવળ ભાવિની શુભકામનાં પાઠવી હતી. પ્રસંગે યુનિ.નાં આઇટી સેલનાં જીતુભાઇ ભાલોડીયા અને મીડિયા સેલનાં અશ્વિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ