ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના અનુસ્નાતક ભવનના વિદ્યાર્થીઓ તથા પીએચ.ડી. શોધસ્કોલર્સ દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગુરૂવંદના કાર્યક્રમ યોજાયો હતો.
વિશિષ્ટ કાર્યક્રમ દરમ્યાન કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણે અધ્યક્ષપદે માર્ગદર્શન આપતાં જણાવ્યું કે ગુરૂપૂર્ણિમા ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ સમાન તહેવાર છે. ગુરુ શબ્દનો અર્થ જ અજ્ઞાનનો નાશકર્તા છે. ગુરુ શિષ્યને જ્ઞાનથી માર્ગદર્શન આપે છે અને જીવનમાં સફળતા તરફ દોરી જાય છે.
તેમણે પોતાની વ્યક્તિગત શિક્ષણયાત્રાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે મહેનત એ જ સાચો સાધન છે અને ગુરુની ભક્તિથી જ જીવનમાં વિકાસ સંભવ છે. મહેનતુ માનવી જ લક્ષ્ય હાંસલ કરી શકે છે અને તેમાં જ જીવનની સફળતા છુપાયેલી છે. તેમણે ઉમેર્યું કે પેઢીગત યુવાનો શ્રેષ્ઠ શિક્ષણ, શક્તિ અને સંસ્કારોથી દેશમાં વિકાસ લાવી શકે છે.
વિશેષરૂપે વિવિધ વિભાગોના અધ્યક્ષો પ્રો. ફિરોઝ શેખ, પ્રો. ભાવસિંહ ડોડીયા, પ્રો. જયસિંહ ઝાલા અને પ્રો. સુહાસ વ્યાસે ગુરૂપૂર્ણિમાના મહિમા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ પર્વ મહર્ષિ વેદવ્યાસના જન્મદિવસ રૂપે ઓળખાય છે અને ગુરુત્વના પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવાનો દિવસ છે.
લાઈફ સાયન્સ, કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, ઈંગ્લીશ, સોશિયલ વર્ક સહિત વિવિધ વિભાગના વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોને વૃક્ષરોપણ કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુરુજનોને કુમકુમ તિલક કરી અને ગુરૂવંદના અર્પણ કરી સંસ્કારજ્ઞ પ્રેમ પ્રદર્શિત કર્યો હતો.
આ પ્રસંગે ડૉ. ચેતન ત્રિવેદી, ડૉ. પરાગ દેવાણી, ડૉ. ઋષિરાજ ઉપાધ્યાય, ડૉ. દિનેશ ચાવડા, ડૉ. અનિતાબા ગોહીલ, ડૉ. વિનીત વર્મા, ડૉ. દુશ્યંત દુધાગરા, ડૉ. સંદીપ ગામિત સહિતના શિક્ષકવર્ગે વિદ્યાર્થીઓને આશિર્વાદ આપ્યા હતા.
વિદ્યાર્થી દિક્ષિત મનિષભાઈ આચાર્યએ ગુરુ અને પ્રકૃતિ સંબંધિત વિચાર રજૂ કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ વિભાગોના વિદ્યાર્થીઓએ સહયોગ આપ્યો હતો.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ