ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ‘જનજાતિય સંસ્કૃતિ, વારસો અને સ્વદેશી પ્રથાઓ’ વિષયક રાષ્ટ્રીય સેમિનાર સફળ સંપન્ન, ૨૪૩ સંશોધન પેપર રજુ.

જૂનાગઢ શહેરના શૈક્ષણિક ઇતિહાસમાં એક વધુ મહત્ત્વપૂર્ણ પાનું ઉમેરાયું છે. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું. ‘જનજાતિય સંસ્કૃતિ, વારસો અને સ્વદેશી પ્રથાઓ’ વિષય હેઠળ યોજાયેલા આ વિશિષ્ટ સેમિનારમાં સમગ્ર દેશમાંથી કુલ ૩૦૪ રજીસ્ટ્રેશન થયાં હતાં. જેમાંથી ૨૯૩ સંશોધકો અને અધ્યાપકોની સક્રિય ઉપસ્થિતી નોંધાઈ હતી. સેમિનાર દરમિયાન ૨૪૩ સંશોધન પેપર રજુ કરવામાં આવ્યા હતા.

આ રાષ્ટ્રીય સેમિનારનું આયોજન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર અને સોશિયલ વર્ક વિભાગ દ્વારા, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ – નવી દિલ્હીના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્પેશ્યલ સેશન્સ સહિત કુલ આઠ અલગ અલગ સત્રો અને ઓપન પેનલની ચર્ચા યોજાઈ હતી, જેમાં વિવિધ વિષય નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું.

સમાપન સમારોહનું અધ્યક્ષસ્થાન કૂલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે સંભાળ્યું હતું. પોતાના ઉદબોધનમાં તેમણે જણાવ્યું કે, આદિવાસી સંસ્કૃતિ માત્ર વારસો નહીં પણ જીવનશૈલી અને તત્વચિંતનનો આધાર છે. તેઓએ જણાવ્યું કે શિક્ષણ સાથે કૌશલ્યના વિકાસ પર પણ ભાર આપવો જોઈએ જેથી યુવાનોનું સર્વાંગી વિકાસ થઈ શકે.

આ પ્રસંગે સોશિયલોજી વિભાગના વડા અને ડીન પ્રો.જયસિંહ ઝાલાએ આમંત્રીત વિદ્વાનોનું સન્માન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડો.પરાગ દેવાણીએ અને સેમિનાર રીપોર્ટ ડો.ઋષિરાજ ઉપાધ્યાય દ્વારા રજૂ કરવામાં આવ્યો. તમામ પેપર પ્રસ્તુત કરનાર સંશોધકોને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા.

આ સેમિનાર ભવિષ્યમાં સમાજશાસ્ત્ર અને લોકસંસ્કૃતિ અંગે વધુ ઊંડી સમજ માટે સશક્ત માધ્યમ સાબિત થાશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ