ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે એક્સપર્ટ ટોકનું આયોજન.

જૂનાગઢ તા. ૫ – ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે તજજ્ઞ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જાણીતા એકાઉન્ટિંગ નિષ્ણાંત જયેન્દ્રભાઈ તન્નાએ જણાવ્યું કે, આજે વિજ્ઞાનનો યુગ હોવા છતાં કોમર્સ અને મેનેજમેન્ટ ક્ષેત્રમાં અસંખ્ય ઉજળી તકો છુપાયેલી છે. રાજ્યમાં વિવિધ ઉદ્યોગોને કુશળ માનવબળ ઉપલબ્ધ થાય તેમજ વિકસતી ટેકનોલોજી અંગે યુવાઓને તાલીમ આપી સ્વરોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

તેમણે જણાવ્યું કે, કોમર્સના વિદ્યાર્થીઓએ આગળના અભ્યાસ માટે મૂંઝાવાની જરૂર નથી, કારણ કે માર્કેટિંગ મેનેજમેન્ટ, એકાઉન્ટિંગ અને ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ, ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ફાઇનાન્સ, ઇ-કોમર્સ, બેન્કિંગ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ જેવા વિષયોનું અભ્યાસ કરીને સારું આવક અને પ્રતિષ્ઠા મેળવી શકાય છે. આ કોર્સની વિદેશોમાં પણ ભારે માંગ છે, જે વિદ્યાર્થીઓને વિદેશમાં સેટલ થવાની તક આપે છે.

આ તકે દર્શનભાઈ તન્નાએ એકાઉન્ટિંગ, બેંકિંગ, ઇન્સ્યોરન્સ લૉ, બેંકિંગ લૉ અને ઇન્સ્યોરન્સ રિસ્ક કવર વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

કાર્યક્રમના પ્રારંભે કોમર્સ વિભાગના વડા પ્રો. ભાવસિંહ ડોડિયાએ એક્સપર્ટનો પરિચય આપ્યો અને આમંત્રિતોને આવકાર્યા હતા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ