ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ના રસાયણ શાસ્ત્ર ભવનમાં વિદ્યાર્થીઓએ કરી વિધ્નહર્તા ગણપતિની સ્થાપના અને વંદના.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે રસાયણ શાસ્ત્ર અને કોરેન્સિક સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓ તથા સંશોધનાર્થીઓએ ગણેશ ચતુર્થી પર્વ નિમિત્તે વિધ્નહર્તા ભગવાન ગણપતિની સ્થાપના ભવન પરિસરમાં શ્રદ્ધાભાવથી કરી.

સ્થાપના વિધિ પંડિતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર, પૂજન અને હવનવિધિ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ સામૂહિક ગણપતિ વંદના, ભજન-કીર્તન અને આરતી કરી સમગ્ર કેમ્પસને ભક્તિમય બનાવ્યો હતો.

આ પ્રસંગે યુનિવર્સિટીના કૂલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગણપતિજીની આરતી ઉત્સાહપૂર્વક કરી અને વિદ્યાર્થીઓને ‘ગણપતિજી જીવનમાં વિદ્યાબુદ્ધિ આપે છે, અવરોધો દૂર કરે છે અને એકતા-સદભાવનો સંદેશ આપે છે’ તેવું સંબોધન કર્યું હતું.

કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો. અતુલ બાપોદરા, કોમર્સ કોલેજના આચાર્ય પ્રો. મગનભાઈ ત્રાડા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોમર્સ વિભાગના વડા પ્રો. દક્ષાબેન ચૌહાણ, સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશનના નિયામક ડૉ. નિશિથ ધારૈયા, ઈતિહાસ વિભાગના ડૉ. રમેશ ચૌહાણ અને ડૉ. પારૂલ ભંડેરી સહિત વિવિધ વિભાગના અધ્યાપકગણ, વહીવટી કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

વિધ્યાર્થીઓએ જણાવ્યા મુજબ, ગણપતિજીની સ્થાપના સાથે વિભાગમાં શિક્ષણ અને સંશોધન કાર્ય સફળતાપૂર્વક આગળ વધે, એકતા અને સકારાત્મક ઉર્જા ફેલાય તેવા સંકલ્પો લેવાયા હતા.

કાર્યક્રમના અંતે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી પરિસરમાં સાંસ્કૃતિક તેમજ ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું, જેમાં સૌએ ભક્તિભાવપૂર્વક જોડાઈ આનંદ અનુભવ્યો હતો.


અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ