ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં “પર્સનાલીટી ક્રાઈસીસ મેનેજમેન્ટ” વિષયક માર્ગદર્શક વાર્તાલાપ યોજાયો.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગ દ્વારા “પર્સનાલીટી ક્રાઈસીસ મેનેજમેન્ટ” વિષય પર માર્ગદર્શક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગનાં વડા પ્રો. દક્ષાબેન ચૌહાણે મુખ્ય માર્ગદર્શક તરીકે હાજરી આપી વિદ્યાર્થીઓને વ્યક્તિત્વ ઘડતર અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

પ્રો. દક્ષાબેન ચૌહાણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે જીવનમાં દરેક વ્યક્તિ અનેક કાર્યો કરે છે, પરંતુ તેનું યોગ્ય આયોજન અને સમયના સંચાલનથી જ વ્યક્તિ પરિપક્વતા તરફ આગળ વધી શકે છે. વ્યક્તિત્વનું અસ્તિત્વ હોવું અને તેનું પ્રગટિકરણ થવું – બંને જુદા વિષયો છે. દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ અનોખું હોય છે, જેમ કે આંગળીઓની છાપ કે ચહેરાની રચના કદી એકસરખી નથી હોતી. વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને બદલવા માટે કોઈ જાદુઈ સૂત્ર નથી, પરંતુ જો કોઈ વ્યક્તિ પોતામાં જાગૃતિ લાવે અને પ્રગતિ માટે તત્પર બને તો તેના માટે વિશ્વમાં વિશાળ અવકાશ રહેલો છે.

કાર્યક્રમની શરૂઆતમાં વિભાગના અધ્યક્ષ પ્રો. ફિરોઝ શેખે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે વ્યક્તિત્વ વિકાસ કરતા પહેલાં “વ્યક્તિ, વ્યક્તિત્વ અને વિકાસ” નો અર્થ સમજવો આવશ્યક છે. વ્યક્તિત્વના બે પાસાં – બહિર્ગામી અને અંતર્ગામી છે. જેમાં બહિર્ગામી વિકાસ અલ્પજીવી હોય છે, જ્યારે અંતર્ગામી વિકાસ લાંબા ગાળે ટકી રહે છે.

કાર્યક્રમમાં અંગ્રેજી વિભાગના પ્રોફેસર તથા પૂર્વ કૂલપતિ ડો. ચેતન ત્રિવેદીએ પ્રો. દક્ષાબેન ચૌહાણનો પરિચય આપતા જણાવ્યું હતું કે સાહિત્ય અને મેનેજમેન્ટનું સંયોજન એક નવી દિશા સર્જી શકે છે. બદલાતા સમયમાં વાંચન પ્રેમીઓની સંખ્યા ઘટી રહી છે, પરંતુ આવા સંયોજનથી સાહિત્ય અને મેનેજમેન્ટ બંને મજબૂત બનશે.

કાર્યક્રમ દરમિયાન ડો. રૂપાબેન ડાંગરે શાલ અર્પણ કરી પ્રો. દક્ષાબેનનો સત્કાર કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન ડો. ઓમ જોષીએ કર્યું હતું.


અહેવાલ : નરેન્દ્ર દવે
સાથે : જગદીશ યાદવ, જૂનાગઢ