જૂનાગઢ આજે હિન્દુ કેલેન્ડર મુજબ મોક્ષદા એકાદશી માગશર સુદ અગિયારસ ની તિથિએ ગીતા જયંતિની ઊજવણી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં સંસ્કૃત ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી હતી. ઉજવણીનાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત કુલપતિ પ્રો.ચેતન ત્રિવેદી એ ભવનનાં વિદ્યાર્થીઓ, પ્રબુધ્ધ નગરજનો, વિભાગીય વડાઓ અને શીક્ષણકાર્ય સાથે સંકળાયેલ યુનિ.નાં કર્મયોગીઓને સંબોધતા જણાવ્યુ હતું કે માગશર સુદ એકાદશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું અને ત્યારથી આ દિવસે ગીતા જયંતિ ઉજવવાનું શરૂ થયું હતું.
ગીતાજીમાં ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોક છે.ગીતા ગીતોપનિષદ ના ઉપદેશોને આત્મસાત કરવાથી જીવનમાં સફળતાનો માર્ગ મળે છે અને બધી શંકાઓનો નાશ થાય છે. શ્રીમદ ભાગવત ગીતામાં બધી પરેશાનીઓનો ઉકેલ જણાવવામાં આવે છે. શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરવાથી યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વિકસિત થાય છે. ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગની સમજ આપી ભારતિય જ્ઞાન પરંપરા, નવિશિક્ષણ નીતિ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. સાથે સંસ્કૃત અંગે વાત કરતા કહ્યુ હતુ કે સંસ્કૃત એ માત્ર કર્મકાંડની ભાષા નથી બલ્કે સંસ્કૃત તો વિજ્ઞાન અને ટેક્નોલોજીને સ્વીકૃત કરતી સૈાથી સરળ ભાષા છે. ડો.ત્રિવેદીએ વિવિધ ભવનો નાં છાત્ર-છાત્રાઓ અને અભ્યાપક ગણ નિત્ય અભ્યાસ પ્રારંભે ગીતાજીનાં એક અધ્યાયનું પઠન કરવા સંકલ્પ લેવડાવ્યો હતો.
આ તકે ડો. દિનેશ પાઠકે ભારતિય શાસ્ત્રો અને વિજ્ઞાનનાં સંધાનને ટાંકી ગીતા અંગે વિસ્તૃત સમજ આપી ભગવાન વિષ્ણુને સમર્પિત એકાદશી તિથિનાં વિશેષ મહત્વ અને આ દિવસે વિધી-વિધાનથી થતી પૂજા- ઉપાસનાં અને ઉપવાસ અંગે જાણકારી આપી હતી.
કાર્યક્રમનાં પ્રારંભે સંસ્કૃત ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો.નિશીથ ધારૈયાએ આમંત્રીત અતિથી, વિદ્યાર્થીઓ અને સદગૃહસ્થોને આવકારી ગીતા જયંતીની ઉજવણી અંગે ખ્યાલ પ્રસ્તુત કરતા જણાવ્યુ હતુ કે ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. ગીતા મુજબ માનવ-જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું પડે. અને યુદ્ધમાં પીછેહઠ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે.
કાર્યક્રમનું સંચાલન પ્રા. અજયભાઇ એ સંભાળી જણાવ્યુ હતુ કે ગીતાના અઢારમાં અધ્યાયના અંતે ભગવાન કહે છે કે સાચો માર્ગ શું છે તે મેં તને જણાવી મનુષ્યને જે પ્રમાણે વર્તવું હોય તે મુજબ કરવા જણાવી ગીતા કોઇ સામાન્ય ધર્મગ્રંથની જેમ કશું કરવા માટે આગ્રહ કરતી નથી પરંતુ સાચો માર્ગ બતાવી માનવને બુદ્ધિ સ્વાતંત્ર્ય આપે છે.
આ પ્રસંગે ઉપસ્થિત સૈા કોઇએ ગીતા ગ્રંથ પોતાનાં ઘરે વસાવવા ખરીદી કરી નિત્ય પઠન કરી આત્મશુધ્ધી માટે આગળ વધવા સંકલ્પનાં વ્યક્ત કરી હતી.
અહેવાલ : જગદીશ યાદવ (જૂનાગઢ)