ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ ક્રોસ-કન્ટ્રી સ્પર્ધાનું ભવ્ય આયોજન.

રમતગમત પ્રત્યે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવવા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ ક્રોસ-કન્ટ્રી સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કેશોદ ખાતે કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા કુલ ૩૩ ભાઈઓ અને ૨૨ બહેનો સહિત કુલ ૫૫ જેટલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ સ્પર્ધા યુનિવર્સિટીનાં રમતગમત સેલના કો-ઓર્ડિનેટર પ્રો. જયસિંહ ઝાલા તથા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહજી ચૌહાણનાં માર્ગદર્શન અને પ્રેરણાથી યોજાઈ હતી. કાર્યક્રમને સફળ બનાવવા પ્રફુલભાઈ રાઠોડ અને રવિશ ભટ્ટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

પરિણામો મુજબ, બહેનોમાં મહિલા આર્ટ્સ કોલેજ, ઉનાની સોલંકી ઉર્મિલાબેન જગદિશભાઈએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું, જ્યારે સોમનાથ પી.જી. સેન્ટરની બાંભણીયા પાયલબેન બચુભાઈ દ્વિતીય અને ઉના મહિલા આર્ટ્સ કોલેજની ભાલીયા અંજનાબેન ભગવાનભાઈ તૃતિય સ્થાન પર રહી હતી. ભાઈઓમાં સરકારી વિનયન કોલેજના પાનસુરીયા હર્ષ પ્રથમ, કે.ડી. બારડ કોલેજના રાઠોડ મહેશભાઈ દ્વિતીય અને એન.પી. આર્ટ્સ કોલેજ, કેશોદના પરમાર રવિરાજસિંહ ભીખુભાઈ તૃતિય સ્થાન મેળવનાર રહ્યા હતા.

ક્રોસ-કન્ટ્રી સ્પર્ધા એક લાંબી અંતરની દોડ છે, જેમાં મેરેથોનથી અલગતામાં સપાટ રસ્તાઓ પર નહીં પરંતુ ખુલ્લા વિસ્તારોમાં ઊંચી-નીચી જમીન તથા કુદરતી અવરોધ વચ્ચે દોડવી પડે છે. આ રમત ખેલાડીઓની સહનશક્તિ, ધૈર્ય અને દૃઢનિર્ણયની કસોટી લે છે.

આ અવસરે યુનિવર્સિટીના કૂલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહજી ચૌહાણે જણાવ્યું કે, “ક્રોસ-કન્ટ્રી સહિતની એથ્લેટિક્સ રમતો વિદ્યાર્થીઓને શારીરિક તંદુરસ્તી ઉપરાંત માનસિક મજબૂતી પણ આપે છે. યુનિવર્સિટીના પ્રતિભાશાળી ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ પોતાની પ્રતિભા બતાવી શકે એ હેતુથી સતત આવા સ્પર્ધાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.”

કાર્યક્રમમાં તમામ વિજેતા તથા પ્રતિભાગી ખેલાડીઓને અભિનંદન પાઠવતા યુનિવર્સિટી દ્વારા ભવિષ્યમાં પણ રમતગમત ક્ષેત્રે વધુ તકો ઉપલબ્ધ કરાવવા સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.


📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ