ભરૂચ ટોલનાકા નજીક ગેરકાયદેસર ભેંસો ભરીને જતું કન્ટેનર ઝડપાતા કુલ ત્રણ ઇસમો સામે ફરિયાદ ઝઘડિયા પોલીસે કુલ ૧૫ લાખનો મુદ્દામાલ કબજે લઇને ત્રણ ઇસમો સામે ગુનો નોંધ્યો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર ૨૫ જેટલી ભેંસો ભરીને જતું કન્ટેનર ઝડપાતા ઝઘડિયા પોલીસ મથકે કુલ ત્રણ ઇસમો સામે ફરિયાદ લખાવવામાં આવી હતી. ભરૂચના વિકાસભાઇ કાયસ્થે ઝઘડિયા પોલીસ મથકમાં લખાવેલ ફરિયાદ મુજબ બાતમી મળી હતીકે એક કન્ટેનર ઘાસચારા કે પાણીની સગવડ વિના દોરીથી બાંધેલ ભેંસો ભરીને વડોદરા તરફથી અંકલેશ્વર તરફ જનાર છે. ત્યારબાદ ભરૂચ ટોલનાકા નજીક તપાસ કરતા સદર કન્ટેનરમાં પાણી કે ઘાસચારાની સગવડ વિના ખિચોખીચ ૨૫ ભેંસો ભરેલી હતી.

કન્ટેનરના ચાલક પાસેથી પશુઓની હેરાફેરી કરવા માટેનું કોઇ પ્રમાણપત્ર મળ્યું નહતું. કન્ટેનર ચાલકનું નામ એહમદખાન બાગેખાન બલોચ રહે.સિધ્ધપુર જિ.પાટણ અને તેની સાથેના અન્ય ઇસમનું નામ સાજીદમિયાં સઇદમિયાં મલેક રહે.સામરકા ગામ જિ.આણંદ હોવાનું જણાયું હતું,અને આ ભેંસો પાલનપુરના અકબરભાઇ સોલંકીએ મહારાષ્ટ્રના ધુલિયા ખાતે લઇ જવા ભરાવેલ હતી. સદર કન્ટેનરમાં લઇ જવાતા પશુઓ બાબતે ઘાસચારો કે પાણીની સગવડ રાખવામાં નહિ આવી હોવા ઉપરાંત પશુઓની હેરાફેરી માટેનું કોઇ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર પણ નહિ હોઇ આ સંદર્ભે એહમદખાન બલોચ રહે.સિધ્ધપુર જિ.પાટણ,સાજીદમિયાં મલેક રહે.સામરકા ગામ જિ.આણંદ તેમજ અકબરભાઇ સોલંકી રહે.પાલનપુર જિ.બનાસકાંઠાના વિરૂધ્ધ ઝઘડિયા પોલીસે ગુનો નોંધી ૨૫ નંગ ભેંસો તેમજ કન્ટેનર મળીને કુલ રૂપિયા ૧૫ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

અહેવાલ :- નિમેષ ગોસ્વામી (ઝઘડિયા)