જૂનાગઢના ભવનાથ સ્થિત પ્રેરણાધામ ખાતે શ્રાવણ વદ અમાવસ્યા અને ભાદ્રપદ શુક્લ પ્રતિપદા, તા. ૨૩-૨૪ ઓગસ્ટ ૨૦૨૫ દરમ્યાન સત્સંગ આયમની અખિલ ભારતીય કેન્દ્રીય બેઠક યોજાઈ હતી.
આ બે દિવસીય બેઠકમાં દેશના ૬ ક્ષેત્રો અને ૧૮ પ્રાંતમાંથી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં પ્રેરણાધામના મહંત પ.પૂ. લાલબાપુ, સ્વામિનારાયણ મંદિરના ધર્મકિશોર સ્વામી, સત્સંગ આયમના પાલક તેમજ કેન્દ્રીય મહામંત્રી માન. કોટેશ્વરજી, અખિલ ભારતીય સત્સંગ પ્રમુખ ડૉ. વસંતજી રથ, સત્સંગ સહ પ્રમુખ દાદા વૈદકજી, કર્ણાવતી પ્રદેશ સંગઠન મંત્રી શ્રીરંગ રાજેજી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય બાદ પૂજનીય સંતો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા.
આ બેઠક દરમિયાન માન. કોટેશ્વરજીએ રાષ્ટ્રીય બજરંગ દળ સંયોજક કિશનલાલ પ્રજાપતિનું સન્માન કર્યું હતું તેમજ આવનારા સંઘ શતાબ્દી વર્ષને ધ્યાનમાં રાખીને પંચ પરિવર્તન વિષયક માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં વિવિધ વિષયો પર સત્રો યોજાયા હતા જેમાં હિંદુ સંસ્કૃતિ મુજબ જન્મદિવસ ઉજવણી, બાલ સંસ્કાર કેન્દ્રનું પ્રાત્યક્ષીકરણ, સત્સંગ પ્રાત્યક્ષીકરણ અને ઔષધીય વૃક્ષોનું વૃક્ષારોપણ જેવા મુદ્દાઓ સામેલ હતા.
આ બેઠકના આયોજનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ ભીંડી, પ્રાંત મંત્રી દેવજીભાઈ મ્યાત્રા, ઉપાધ્યક્ષ ભૂપતભાઈ ગોવાણી તથા ૬૦થી વધુ પ્રબંધકો સેવા આપી હતી. બેઠકનું સંચાલન રાકેશભાઈ ત્રિપાઠીએ કર્યું હતું જ્યારે જૂનાગઢ વિભાગના સહમંત્રી તથા બેઠકના મુખ્ય પ્રબંધક જયેશભાઈ ખેસવાણી દ્વારા શહેર તથા બેઠક વ્યવસ્થાની વિગત રજૂ કરવામાં આવી હતી.
સમાપન સત્રનું માર્ગદર્શન કર્ણાવતી ક્ષેત્ર સંગઠન મંત્રી શ્રીરંગ રાજેજીએ આપ્યું હતું.
વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર પ્રસાર પ્રમુખ હિરેનભાઈ રૂપારેલિયા દ્વારા બેઠકની સમગ્ર વિગતો જાહેર કરવામાં આવી હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ