ભાજપ જુનાગઢ મહાનગર દ્વારા પત્રકાર મિત્રો સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરના મીડિયા વિભાગ દ્વારા પત્રકાર મિત્રોને આમંત્રિત કરી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન શહેરમાં કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ નવા નિયુક્ત થયેલ પક્ષ પદાધિકારીઓ તથા પત્રકાર જગત વચ્ચે સહયોગ અને સંવાદની સાથોસાથ મૈત્રીપૂર્ણ વાતાવરણ નિર્માણ કરવાનો રહ્યો હતો.

કાર્યક્રમમાં જુનાગઢ-પોરબંદર લોકસભાના સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને જુનાગઢ શહેર વિધાનસભાના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભાજપના નવા મહાનગર અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયા, મેયર ધર્મેશભાઈ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, સત્તારૂઢ પક્ષના નેતા મનનભાઈ અભાણી અને દંડક કલ્પેશભાઈ અજવાણી સહિત અનેક પદાધિકારીઓએ પણ હાજરી આપી હતી.

આ બેઠકમાં જૂનાગઢ શહેરના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડિયાના પ્રતિનિધિઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી, જેમાં બંને પક્ષો વચ્ચે સ્થાનિક પ્રશ્નો, નગર વિકાસની યોજનાઓ અને વતનમાટેના સહયોગી પ્રયાસોની ચર્ચા કરવામાં આવી.

મહત્વનું છે કે, સંવાદ દરમિયાન નવા અધ્યક્ષ તથા પદાધિકારીઓએ આગામી કાર્યકાળ માટેના ધ્યેયો, નીતિ-નિયમો અને નગર વિકાસના વિઝન અંગે વિગતો રજૂ કરી હતી. પત્રકાર મિત્રો દ્વારા સહકાર માટે નિર્ભય રીતે કાર્ય કરવાની અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાર્ટીના મીડિયા વિભાગના દિનેશ વાળા, કેતન નાંઢા, કાર્યાલય મંત્રી નિરવ તળાવીયા, કેવલ ગૌસ્વામી અને યશ ગળચરે આયોજન અને વ્યવસ્થાપન અંગે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી.


અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ