સુરતના અલથાણમાં ભાજપની મહિલા નેતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આપઘાત શા માટે કર્યો તેનું કોકડું સતત ગૂંચવાઈ રહ્યું છે. ત્યારે ભાજપ વોર્ડ પ્રમુખ દિપીકા પટેલના આપઘાત કેસમાં શંકાસ્પદ ભૂમિકા ભજવનારા ચિરાગ સોલંકીને સુરત નહીં છોડવા પોલીસે આદેશ અપાયો છે. સુરત બહાર જાય તો પોલીસને અચૂક જાણ કરવા તાકીદ કરવામાં આવી છે. ગુરુવારે દિપીકાની પ્રાર્થના સભા હતી. ત્યારે ચિરાગ સોલંકી આવ્યો હતો. દિપીકાના પતિને સાંત્વના આપવા પહોંચ્યો ત્યારે કોઈ પ્રતિભાવ નહીં મળતાં ચિરાગ 40 સેકન્ડમાં જ પ્રાર્થના સભામાંથી રવાના થઈ ગયો હતો. બીજી તરફ સ્થાનિકો પણ ચિરાગને જોઈને રોષે ભરાયા હતા.
દિપીકાના ફોનનો ડેટા પણ ચિરાગે ડિલીટ કર્યો હોવાની શંકાથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. પ્રાર્થના સભામાં ભાજપના એકપણ મોટા નેતા કે કોર્પોરેશનના પદાધિકારીઓો ઉપસ્થિત રહ્યા ન હતા. તેમની ગેરહાજરી સ્થાનિક રહીશોમાં ભારે ચર્ચાનો વિષય બની હતી.