જૂનાગઢ જિલ્લાના બોડકા ગામથી ભાટીયા ગામ તરફ જતા મુખ્ય માર્ગ પર ભાટીયા ગામની સીમા નજીક આવેલ પુલની હાલત નાજુક હોવાને કારણે, જિલ્લા તંત્રએ તે પુલ પરથી તમામ પ્રકારના ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
જૂનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ શ્રી કે.બી. પટેલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર, ભૂતકાળથી ચાલુ આવેલા મોટા કાજલીયાડા–બંધડા–બોડકા–ભાટીયા રોડ ઉપર આવેલ પુલ જૂનો તથા જર્જરિત હોવાથી ભવિષ્યમાં કોઈ અકસ્માત ન બને એ હેતુથી જનસુરક્ષા અને વાહન વ્યવસ્થાની દૃષ્ટિએ આ પગલું ભરાયું છે.
જિલ્લા તંત્ર દ્વારા જણાવાયું છે કે આ પુલ પર ભારે વાહનો પસાર થવાથી પુલને વધુ નુકશાન પહોંચી શકે છે અને ખતરો ઊભો થઈ શકે છે. તે કારણે તમામ પ્રકારના ટ્રક, ટ્રેક્ટર, લારી તેમજ અન્ય કોઈપણ ભારે વાહનો આ પુલ પરથી પસાર ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.
આ પુલ પરથી ભારે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે અને વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ તરીકે મોટા કાજલીયાડા–થાણા પીપળી–ભાટીયા રોડનો ઉપયોગ કરવાનો રહેશે.
આ જાહેરનામું તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયું છે અને આગામી 9 સપ્ટેમ્બર 2025 સુધી અમલમાં રહેશે. તંત્રએ વાહનચાલકો તથા સ્થાનિક જનતાને સહયોગ આપવાની અપીલ કરી છે જેથી ટ્રાફિક વ્યવસ્થામાં અડચણ ન આવે અને માર્ગ પર સલામત અવરજવર યથાવત્ રહે.
તંત્રએ વધુમાં જણાવ્યું છે કે જ્યારે પુલની સ્થિતિ સંપૂર્ણ સુરક્ષિત થાય અને જરૂરી મરામત પૂર્ણ થાય ત્યારે ફરીથી અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ