ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ માટે અંબાજી ખાતે કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક, સ્વચ્છતા અને સુવિધાઓ પર ખાસ ભાર.

શક્તિ, ભક્તિ અને આસ્થાનું પ્રતિક એવા અંબાજી ખાતે દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમ મહામેળાનો ભવ્ય કાર્યક્રમ આ વર્ષે તા. ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન યોજાશે. મેળાના સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેક્ટરશ્રી તથા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી મિહિર પટેલની અધ્યક્ષસ્થાને આજે અંબાજી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં કલેક્ટરશ્રીએ અત્યાર સુધી જિલ્લાની અલગ-અલગ કુલ ૨૯ સમિતિઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી અને આવનારા દિવસોમાં થનારી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે સાથે કલેક્ટરશ્રીએ જાતે વિવિધ સ્થળોની મુલાકાત લઈને તંત્ર દ્વારા કરવામાં આવતી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.

આયોજન દરમ્યાન ખાસ કરીને સ્વચ્છતા પર વિશેષ ભાર મુકવામાં આવશે. કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, “સ્વચ્છતા એ જ સેવા” સૂત્રને ચરિતાર્થ કરવા માટે આ વર્ષે ૧૫૦૦ જેટલા સફાઈ કર્મચારીઓ દિવસ-રાત કામગીરી કરશે. વેપારીઓ તથા પદયાત્રીઓએ કચરો નિર્ધારિત ડસ્ટબીનમાં જ નાખે તે માટે પણ તંત્ર દ્વારા જનજાગૃતિ કરવામાં આવશે.

ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ વર્ષે મેળામાં ૮ સેક્ટર અને ૧૬ ઝોનમાં પોલીસ વિભાગ કામગીરી કરશે, જેમાં કુલ ૫૦૦૦ જેટલો પોલીસ દળ તહેનાત રહેશે. પદયાત્રીઓને સુવિધા મળે તે માટે રસ્તાની ડાબી બાજુ પર પદયાત્રીઓ તથા જમણી બાજુ પર વાહનોની અવરજવર થશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

મેળામાં આશરે ૩૫ થી ૪૦ લાખ પદયાત્રીઓના આગમનની સંભાવના હોવાથી, તંત્ર દ્વારા વીજળી, પાણી, આરોગ્ય, ટ્રાફિક, ભોજન, વિસામા, દર્શન વ્યવસ્થા, હેલ્પ સેન્ટર, ઈમરજન્સી સેવા, ડ્રોન શો તથા પ્રસારણ જેવી સુવિધાઓ અંગે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તંત્રએ પદયાત્રીઓ માટે ઑનલાઇન સુવિધાઓ પણ શરૂ કરી છે, જેથી લોકો તેનો વધુમાં વધુ લાભ લઈ શકે.

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા.