સોમનાથ
પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પધારે છે. ત્યારે આજરોજ પવિત્ર ભાદ્ર માસની માસિક શિવરાત્રિ પર પ્રણાલિકા અનુસાર માસિક શિવરાત્રિ પર શ્રી સોમનાથ મંદિર સમીપ યજ્ઞ શાળામાં ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત વિધિ વિધાન અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિતો પાસે શ્રી સોમનાથ મંદિરમાં દૈનિક 121 રુદ્રી પાઠ કરાવીને પાઠાત્મક લઘુરુદ્ર કરાવવામાં આવે છે. ત્યારે આજે ભાદ્ર માસની માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવના સાનિધ્ય માં પાઠાત્મક લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર, અને સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી.
સાથેજ રાત્રીના સમયે સોમનાથ ખાતે પ્રણાલિકા અનુસાર રાત્રિના જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. જ્યોત પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવશ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ, એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી દિલીપભાઈ ચાવડા તેમજ મોટી માત્રામાં ભાવિકો જોડાયા હતા. પૂજનના અંતે શ્રી સોમનાથ મહાદેવને મહાપૂજા માટે સામગ્રી અર્પણ કરવામાં આવી હતી જે સામગ્રી દ્વારા મંદિરના પૂજારીશ્રી તેમજ તીર્થ પુરોહિતો દ્વારા મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્ય રાત્રિએ 12:00 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી.
માસિક શિવરાત્રીની મહા આરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. “હરહર મહાદેવ, જય સોમનાથ” ના નાદ થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)