જૂનાગઢ તા.૨૮, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ગુજરાતી ભવન દ્વારા ભારતીય સંસ્કૃતિમાં ૧૬ સંસ્કારની વિભાવના વિષયે નવી દિલ્હી ખાતેની શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિશ્વવિદ્યાલયનાં સાંખ્યયોગ અને યોગ વિજ્ઞાન વિભાગનાં અધ્યક્ષ પ્રો.(ડો.) માર્કંડેયનાથ તિવારીની વડપણ તળે વ્યાખ્યાન યોજાયુ હતુ.
આ વ્યાખ્યાનનાં વિષય તજજ્ઞ પ્રો.(ડો.) માર્કંડેયનાથ તિવારીએ ભક્તકવિ નરસિ;હ મહેતા યુનિ.નાં ગુજરાતી ભવનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાંખ્યયોગ અને યોગવિજ્ઞાનની મહત્તા સમજાવી જણાવ્યુ હતુ કે જ્ઞાન, ચરિત્ર અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમથી જ શિક્ષણ તીર્થરાજ પ્રયાગ બને છે. જ્ઞાનાર્જનની પ્રક્રિયાને જ શિક્ષણ કહેવાય. જીવનનું તમસ દૂર કરે તેનું નામ વિદ્યા. જીવન સંસ્કૃતિમય ત્યારે જ બને જ્યારે શિક્ષણ સંસ્કૃતિનો બોધ કરે. સંસ્કૃતિનાં મૂલ્યો જીવનમાં તાણાવાણાની જેમ ત્યારે જ વણાય જ્યારે શિક્ષણની સંરચના સંસ્કૃતિને અનુરૂપ હોય. સંસ્કૃતિ અને શિક્ષણનો અદ્ભુત સંબંધ છે. એમને એકમેકથી જુદા ન પાડી શકાય,ભારતિય સંસ્કૃતિમાં વણાયેલી લગભગ દરેક ક્રિયા કે સંસ્કાર વિધિમાં વપરાતી વસ્તુઓનું વૈજ્ઞાનિક કારણ પણ છે જેના કારણે ભારતિયતા સતત વિકસી રહી છે. સદીઓ વીતી ગઈ છે અને આજે પણ વ્યાસ સ્મૃતિમાં ૧૬ સંસ્કારોનો ઉલ્લેખ છે.
ભગવદગોમંડળમાં પણ સોળ સંસ્કાર ઉલ્લેખિત છે. પ્રાચીન સમયમાં બાળકોને ગુરુકુળમાં શિક્ષણ આપવામાં આવતું હતું. તે શિક્ષણમાં સોળ સંસ્કારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મૂળ સોળ સંસ્કારો હેઠળ, મનુષ્યના જીવનને ગર્ભધારણના સમયથી મૃત્યુ સુધીના ૧૬ કર્તવ્યોમાં વહેંચવામાં આવ્યું છે. ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, વિષ્ણુબલિ, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૌલ, ઉપનયન, વેદવ્રતચતુષ્ટય, સમાવર્તન અને વિવાહ. ‘સ્મૃતિચંદ્રિકા’ અનુસાર ગર્ભાધાન, પુંસવન, સીમન્ત, જાતકર્મ, નામકરણ, અન્નપ્રાશન, ચૌલ, મૌંજિબંધન (ઉપનયન) વ્રત, ગોદાન, સમાવર્તન, વિવાહ અને અંત્યેદૃષ્ટિ આમ માનવ જીવનને પથ પુરો પાડે છે.
આ વ્યાખ્યાનમાળાને શુભેચ્છા સંદેશો પાઠવતા ભક્તકવિ નરસીંહ મહેતા યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ જૂનાગઢનાં પ્રતિભાવંત યુવાઓને શાસ્ત્રીય રીતે ૧૬ સંસ્કારોનું મહત્વ સમજાવવા બદલ પ્રો.(ડો.) માર્કંડેયનાથ તિવારીને ધન્યવાદ પાઠવી જણાવ્યુ હતુ કે સંસ્કૃતિ રાષ્ટ્રનો આત્મા છે, રાષ્ટ્રનું અસ્તિત્વ છે. સંસ્કૃતિ રાષ્ટ્રની અિસ્મિતા છે અને ઓળખાણ છે. એવી જ રીતે શિક્ષણ મનુષ્યને ઘડનારું તત્ત્વ છે. મનુષ્યને સાચા અર્થમાં મનુષ્ય બનાવવાનું કામ શિક્ષણ કરે છે. શિક્ષણ અને સંસ્કાર એક સિક્કાની બે બાજુ જેવા છે, એકબીજાને પૂરક અને પોષક છે. શિક્ષણ મનુષ્યને સંસ્કારી બનાવે છે, સંસ્કૃતિ રાષ્ટ્રની ઓળખ છે. વાસ્તવમાં સંસ્કારની વ્યાપ્તિ જ સંસ્કૃતિ છે. વ્યક્તિ વ્યક્તિ મળીને સમાજ બને છે, તો વ્યક્તિ વ્યક્તિના સંસ્કાર મળી સંસ્કૃતિ બને છે. ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણને પવિત્રતમ પ્રક્રિયા માનવામાં આવી છે. ગીતામાં શ્રીકૃષ્ણે જ્ઞાનને પવિત્રતમ ઘોષિત કરતાં કહ્યું છે – નાસ્તિ વિદ્યાસમં ચક્ષુઃ. અર્થાત્ વિદ્યા જેવું કોઈ બીજું નેત્ર નથી. ભારતીય દર્શનમાં અજ્ઞાનને અંધકાર અને જ્ઞાનને પ્રકાશ માનવામાં આવ્યો છે. શિક્ષણ પ્રકાશ છે. અંધકારથી પ્રકાશ તરફ લઈ જવું એ શિક્ષણનું મુખ્ય કાર્ય છે.ભારતીય દર્શન સ્પષ્ટપણે માને છે કે શિક્ષણનો પાયો અધ્યાત્મ છે. માટે એવું પણ સ્પષ્ટપણે સમજાય છે કે ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ આત્મિક જ હોઈ શકે.
કાર્યક્રમનાં પ્રારંભે ગુજરાતી ભવનનાં વડા પ્રો.(ડો.) વિશાલ જોષીએ વિષય નિષ્ણાંત વ્યાખ્યાનકાર ડો. તિવારીનો પરિચય કરાવી સૈાને આવકાર્યા હતા. કાર્યક્રમમાં ડો. રમેશ ચૈાહાણ, ડો.લલીત પરમાર સહિત યુનિનાં છાત્રો અને અભ્યાપકગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગનાં ડો. પારૂલબેન ભંડેરીએ અને આભારદર્શન કિશોરસિંહ વાળાએ સંભાળ્યુ હતુ.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)