“ભારતીય જ્ઞાન પરંપરાના પડઘા” વિષયે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વક્તૃત્વ સ્પર્ધા સાથે યોજાયો બૌધિક સેમિનાર.

જૂનાગઢ, તા. ૧ — ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે “ભારતીય જ્ઞાન પરંપરાના પડઘા” વિષયને કેન્દ્રમાં રાખીને વિશિષ્ટ સેમિનાર તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને કૂલપતિ પ્રો. પ્રતિપસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આગળ વધારવામાં આવ્યો હતો.

કૂલપતિ પ્રો. ચૌહાણે દુરવાણી દ્વારા વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ પોતાની કૌશલ્ય ક્ષમતાઓ સતત વિકસાવવી જોઈએ અને અભ્યાસમાં સતત રત રહીને વિકસિત ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપવું જોઈએ. તેમણે નવી શિક્ષણ નીતિના અમલ માટે શૈક્ષણિક તંત્રના દરેક સ્તરે સંકલ્પબદ્ધ પ્રયત્નોની આવશ્યકતા વ્યકત કરી હતી. સાથે જ, માતૃભાષામાં શિક્ષણ આપવાથી વિદ્યાર્થીના ઊંડા અભ્યાસ અને સમજણનો પાયો મજબૂત થાય છે તેમ ઉમેર્યું હતું.

અંગ્રેજી વિભાગના વડા પ્રો. ફિરોઝ શેખ અને લાઇફ સાયન્સના વડા પ્રો. સુહાસ વ્યાસ દ્વારા ભારતીય જ્ઞાન પ્રણાલી અને નવી શિક્ષણ નીતિના અમલ અંગે વિસ્તૃત વાત કરવામાં આવી. તેમણે ભારતીય જ્ઞાનના મૂળસ્ત્રોતો જેમ કે વેદો, ઉપનિષદો, પુરાણો અને યોગ દર્શન જેવી દાર्शनિક પદ્ધતિઓનું મહત્વ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, આ જ્ઞાન પ્રણાલી માત્ર શાસ્ત્રિય જ્ઞાન પૂરતું નથી, પણ સમગ્ર માનવ વિકાસ માટે પણ જરૂરી છે.

સોશિયલ વર્ક વિભાગના વડા પ્રો. જયસિંહ ઝાલાએ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામના ઉલ્લેખ સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સાથ સંવાદ પર ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યું કે શિક્ષણનું મુખ્ય લક્ષ્ય સારા મનુષ્યો અને જવાબદાર નાગરિકો બનાવવું છે.

પર્યાવરણ સંવર્ધન ક્ષેત્રે કાર્યરત ડૉ. સંતોષ યાદવે “ભારતીય જ્ઞાન પરંપરા અને પર્યાવરણની જાળવણીમાં તેનું યોગદાન” વિષયે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કેન્દ્ર સરકાર દ્વારા IKS (Indian Knowledge Systems) અંગે શરૂ કરાયેલા અભિગમ વિશે માહિતી આપી.

અંતે, વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરી, જ્યાં જજ તરીકે ડૉ. પરાગ દેવાણી અને ડૉ. રાજેશ રવિયા હાજર રહ્યા.


અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ