ભારતીય બનાવટના વિદેશી દારૂના 501 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો.

₹3.30 લાખથી વધુના મુદ્દામાલ સાથે એલસીબીની મોટા પાયે કાર્યવાહી

ભાવનગર જિલ્લાના તળાજાના વાટલિયા ગામે ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. એલસીબીના ક્રાઇમ સ્ટાફે રેઇડ કરીને ₹3,30,660 કિંમતની કુલ 501 બોટલ દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડી પ્રોહિબીશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા જિલ્લા પોલીસ વડા ડો. હર્ષદ પટેલના નિર્દેશ બાદ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂ અને જુગાર વિરુદ્ધ સઘન ઝુંબેશ શરૂ કરી છે. આ સંદર્ભે દાઠા પોલીસ સ્ટેશન હદમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે कार्रवाई કરવામાં આવી હતી.

બાતમી મળતાં એલસીબીની ટીમે તાત્કાલિક વાટલિયા ગામે રેઇડ કરી એક મરહો પડતર જગ્યામાંથી દારૂના જથ્થા સાથે શખ્સ પરેશભાઇ નાગજીભાઇ ભાલીયાને ઝડપી લીધો. આરોપી દ્વારા વેચાણ માટે રાખવામાં આવેલ ગ્લોબસ ગ્રીન પ્રિમિયમ વિસ્કીની 750 મી.લિ.ની 501 બોટલ મળી આવી, જેના પર “ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી” નો ઉલ્લેખ હતો. કુલ મુદ્દામાલની કિંમત રૂ.3,30,660 છે.

આ મામલે દાઠા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટની લાગતી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ કાર્યવાહી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.વાલા સાહેબના માર્ગદર્શન હેઠળ આર.એલ. બારૈયા, અશોક ડાભી, તરૂણ નાંદવા અને પ્રવિણ ગળસર સહિતની ટીમે સફળતાપૂર્વક અંજામ આપી હતી.

અહેવાલ : સતાર મેતર, ભાવનગર