“ભારત અને ક્યુબાને જોળતી કડી બનશે ગીર ગાય”

ગીર ગાયએ ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ગૌરવ ધરાવતી ગાય છે. ગીર ગાયનું ભારત દેશમાં પૌરાણીક સમયથી ખૂબજ આગવું મહત્વ રહેલ છે. પશુ ઉછેર કેન્દ્ર, જૂનાગઢ કામધેનુ યુનિવર્સિટી નું ૧૦૫ વર્ષ જૂનું નામાંકિત સંશોધન કેન્દ્ર છે.તારીખ ૦૯/૦૧/૨૦૨૫ના રોજ કામધેનુ યુનિવર્સિટીના તાબા હેઠળ આવતા પશુ ઉછેર કેન્દ્રમાં ક્યુબા દેશના ડેલીગેશને મુલાકાત લીધેલ હતી. જે દરમિયાન કામધેનુ યુનિવર્સિટીના કુલપતિશ્રી ના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ હાજર રહેલ હતા. પશુ ઉછેર કેન્દ્ર જૂનાગઢની મુલાકાત પહેલાં ક્યુબાના ડેલીગેશને તા. ૦૬/૦૧/૨૦૨૫નાં રોજ ગાંધીનગર ખાતે કામધેનુ યુનિવર્સિટીનાં પદાધિકારીઓ સાથે મુલાકાત લીધેલી હતી.


આ મુલાકાત દરમિયાન ક્યુબા ડેલીગેશનના હેડ શ્રી એલેન રોડ્રીગ્ઝ લેઓન, સીએમડી, લાઈવસ્ટોક હોલ્ડીંગ ગ્રુપ ક્યુબા, શ્રી એબેલ એબેલે, ડેપ્યુટી હેડ ઓફ મિશન, ભારત ખાતેની ક્યુબાની એમ્બેસી સભ્ય, શ્રી સીઝર લિવાન ફ્રાન્કો, પ્રેસીડેન્ટ વેનેગાસ એન્ટરપ્રાઇઝ, કુ. ડાયામેય ક્રુઝ, એશિયન ડેસ્કના વડા, આંતરરાષ્ટ્રીય સંબંધો વિભાગ -કૃષિ મંત્રાલય અને ડૉ. એસ. કે. ભાવસાર, સંશોધન નિયામકશ્રી, કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર, ડૉ. એમ. ડી. ઓડેદરા, સંશોધન વૈજ્ઞાનિક અને વડા, પશુ ઉછેર કેન્દ્ર, કા.યુ., જૂનાગઢ તથા કેન્દ્ર ખાતે ફરજ બજાવતાં મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકો, પશુધન નિરીક્ષકો તથા અન્ય સ્ટાફગણનાં સફળ પ્રયત્નો થકી વિદેશથી આવેલ મહેમાનોની મુલાકાત સફળ બની હતી. આ મુલાકાત દરમિયાન વિદેશથી આવેલ મહેમાનોએ ગુજરાતનું ગૌરવ એવી ગીર ગાયને નજીકથી જાણી અને વિગતવાર માહિતી મેળવી.તેમજ ગીર ગાયને ભારત દેશ ઉપરાંત બહારના દેશમાં ગીર ગાયનો સમાવેશ કરવામાં આવે તે માટેની પ્રાથમિક તપાસ કરી હતી. મૂલાકાત દરમિયાન મહેમાનોએ પશુ ઉછેર કેન્દ્રમાં આવેલ ગીર ગાય સાથે સંકળાયેલ વિવિધ માહિતી જેવીકે, પશુ માવજત, આહાર, રહેઠાણ, દૂધ ઉત્પાદન અને સંવર્ધન અંગેની તલસ્પર્શી માહિતી મેળવી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)