
જૂનાગઢ:
ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તતી તંગદિલીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત આરોગ્ય મંત્રાલય સતર્ક બન્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લાઓમાં આરોગ્ય વ્યવસ્થાઓની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી.
વિશેષ કરીને ગુજરાતના પાકિસ્તાન સાથે ધરાવતાં દરિયાઈ, જમીન અને હવાઈ સરહદી જિલ્લાઓમાં કટોકટી જેવી પરિસ્થિતિઓ દરમિયાન આરોગ્ય સેવાઓની તાત્કાલિક ઉપલબ્ધતા સુનિશ્ચિત રહે તે દિશામાં મંત્રીએ વિસ્તૃત માહિતી મેળવી. જિલ્લા દવાખાનાઓમાં દવાઓના જથ્થા, ખાલી બેડની સ્થિતિ, ICUની ઉપલબ્ધતા, બ્લડ બેક અપ જેવી અગત્યની સુવિધાઓ અંગે તંત્રના અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી લેવામાં આવી.
મંત્રીએ આરોગ્ય વિભાગને દરેક પ્રકારની પરિસ્થિતિ માટે સંપૂર્ણપણે સજ્જ રહેવા આદેશ આપ્યો અને જરૂરી સ્થળોએ આગોતરી આયોજન કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી. કટોકટી સમયે કોઈ પણ પ્રકારના વિલંબ કે ખામીને ટાળવા તમામ આરોગ્ય અધિકારીઓને સક્રિય રહેવા માટે નિર્દેશ આપવામાં આવ્યા.
આ વીડિયોકૉન્ફરન્સ દરમિયાન આરોગ્ય વિભાગના સચિવ ધનંજય દ્વિવેદી, આરોગ્ય કમિશ્નર રતનકવરજી, જિલ્લા આરોગ્ય અધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ