ભારે પવનથી ડભોઇ-કરજણ માર્ગ પર વૃક્ષો પડ્યાં, ટ્રાફિક જામ: વાહનચાલકોમાં રોષ, તંત્રે તાત્કાલિક કાર્યવાહી માટે દબાણ

ગઈ રાત્રે વાવાઝોડું ફૂંકાતા ડભોઇ તાલુકાના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે ઝાડ પડવાની ઘટનાઓ નોંધાઈ હતી.

વિશેષ કરીને કરજણથી ડભોઇ તરફ જતા માર્ગ પર અને મંડાળા ગામથી મોટાં હબીપુરા વચ્ચેના રોડ પર મોટા ઝાડો પડતાં વાહનવ્યવહાર માટે મુશ્કેલી ઊભી થઈ હતી.

રસ્તાની વચ્ચે પડેલા ઝાડના કારણે રસ્તો અવરોધિત થઈ ગયો હતો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં અસંતોષ જોવા મળ્યો હતો.

સ્થળ પર લોકોનું કહેવું છે કે તંત્રએ વહેલી તકે કાર્યવાહી કરી વૃક્ષ હટાવવું જોઈએ જેથી માર્ગ ફરી ચાલુ થઈ શકે.

હાલ, સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરવામાં આવી છે અને લોકોને રાહત મળે તે માટે વહેલી તકે કામગીરી હાથ ધરવાની માંગ ઊઠી રહી છે.

રીપોર્ટર – મનોજ દરજી, કરજણ