ભારે વરસાદમાં ફસાયેલા ૩૫થી વધુ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ, પોલીસ અને કોસ્ટગાર્ડે બચાવ કર્યો.

તા. ૧૬ જૂન, ૨૦૨૫ના રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં અચાનક ભારે વરસાદ શરૂ થતાં પરિસ્થિતિ ગંભીર બની હતી. તલગાજરડા ગામ પાસે આવેલી નદીનું પાણી ઓચિંતું ભરાઈ જતા તલગાજરડા મોડેલ સ્કૂલના ૩૫થી વધુ વિધ્યાર્થીઓ અને કેટલાક ગ્રામજનો ત્યાં ફસાઈ ગયા હતા. બાળકો સ્કૂલથી ઘરે જવાના માર્ગમાં હતા ત્યારે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

આ ઘટનાની જાણ થતા તરતજ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસના જવાનો સાથે સ્થાનિક કોસ્ટગાર્ડ ટીમ, ગ્રામજનો અને સત્તાવાર તંત્રએ મળીને જોડાયેલ પ્રયાસો દ્વારા તમામ લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

વિશેષ રૂપે, રાતોલ અને તલગાજરડા ગામ વચ્ચેનાં રસ્તાઓ પાણીથી ઘેરાયેલા હોવાથી રાહત કામગીરીમાં કેટલીક અડચણો આવી હતી. તેમ છતાં, ગામલોકોની તકેદારી અને તંત્રની સતર્કતાના કારણે કોઈ જાનહાની નહીં થવા દેવામાં આવી.

ભાવનગર જિલ્લા પોલીસ વડાની દેખરેખ હેઠળ બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી હતી. બાળવિદ્યાર્થીઓને સલામત બહાર લાવવા માટે બોટ અને રેસ્ક્યુ સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘટનાને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં ચકચાર મચી હતી પરંતુ સમયસરની કામગીરીએ મોટી દુર્ઘટના ટાળી હતી.

અહેવાલ : સતાર મેતર, (સિહોર)